અમદાવાદ, 4 નવેમ્બર:  અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી કે સંજય લાલભાઈ 3 નવેમ્બર, 2025થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપશે. બોર્ડે કુલીન લાલભાઈની કંપનીના ચેરમેન તરીકે નિયુક્તિને પણ મંજૂરી આપી છે.

સંજય લાલભાઈએ શરૂઆતથી જ એએસએલની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી કંપનીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક વિશ્વસનીય નામ તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. એએસએલના મજબૂત પાયા અને મૂલ્યોની સ્થાપનામાં તેમનું વિઝન અને લીડરશિપ ચાવીરૂપ રહ્યા છે.

આ જાહેરાત અંગે સંજય લાલભાઈએ જણાવ્યું કે અરવિંદ સ્માર્ટસ્પેસીસના બોર્ડમાં કામગીરી કરવી અને પ્રારંભથી એક વિશ્વસનીય રિયલ એસ્ટેટ બ્રાન્ડ બનવા સુધીની તેની સફરને નિહાળવી એ મારા માટે સન્માનની બાબત રહી છે. હું અમારી ટીમનો તેમની પ્રતિબદ્ધતા બદલ તથા પોતાના અદ્વિતીય સમર્થન માટે અમારા ગ્રાહકો તથા હિતધારકોનો આભાર માનું છું. કંપનીના ઉત્તરાધિકારી નીમવાની યોજનાના ભાગરૂપે તથા નેતૃત્વ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે મેં કંપનીના ચેરમેન તથા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. અમે ભવિષ્ય માટે સારી સ્થિતિમાં છીએ અને મને વિશ્વાસ છે કે કુલીન તથા મેનેજમેન્ટ ટીમ સૌના માટે વધુ ટકાઉ તથા લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવાનું ચાલુ રાખશે.

કુલીન લાલભાઈ, જેઓ હાલમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ કંપનીના ચેરમેનની ભૂમિકા સંભાળશે. વ્યવસાયની ઊંડી સમજ અને પુરવાર થયેલી નેતૃત્વ ક્ષમતાઓ સાથે,  કુલીન લાલભાઈ એએસએલને તેના વિકાસ અને નવીનતાના આગામી તબક્કામાં લઈ જવા માટે યોગ્ય સ્થિતિમાં છે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસના ચેરમેન કુલીન લાલભાઈએ જણાવ્યું કે અરવિંદ સ્માર્ટસ્પેસીસમાં અમે જે કંઈ હાંસલ કર્યું છે તે પાછળ પ્રેરણારૂપ બનવા બદલ હું મારા પિતાનો આભાર માનું છું. તેમના વિઝન અને માર્ગદર્શનને કારણે જ અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક બન્યા છીએ. જેમ જેમ અમે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, હું આ મજબૂત પાયા પર નિર્માણ કરવા અને હેતુ તથા મહત્વાકાંક્ષા સાથે કંપનીને આગળ લઈ જવા માટે  કમલ સિંગલ,  પ્રિયાંશ કપૂર અને સમગ્ર ટીમ સાથે કામ કરવા આતુર છું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)