અદાણી સોલારે 15,000 MWથી વધુ સોલાર મોડ્યુલ શિપમેન્ટ કરી ગ્રીન એનર્જીમાં ડંકો
અમદાવાદ, 4 નવેમ્બર: અદાણી સોલારે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. વિશ્વભરમાં 15,000 મેગાવોટ (MW) થી વધુ સૌર મોડ્યુલ મોકલીને કંપનીએ સ્વચ્છ ઉર્જા બનાવવાની યાત્રામાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ-બ્રેક સિદ્ધિ માત્ર લાખો ઘરોને વીજ પુરવઠો પૂરી પાડવા સુધી જ નથી, પરંતુ ભારતને 2047 સુધીમાં ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યની નજીક લઈ જાય છે.
અદાણી સોલારના 15,000 મેગાવોટ મોડ્યુલ શિપમેન્ટની ચાર મુખ્ય ક્ષેત્રો પર અસર ઉડીને આંખે વળગે તેવી છે. જેમાં સ્વચ્છ ઉર્જા અને ગ્રીન જોબ્સનું સર્જન, કાર્બન ફૂટપ્રિંટમાં ઘટાડો અને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી સ્કેલનો સમાવેશ થાય છે. સોલાર મોડ્યુલ્સ ઉત્પાદન દ્વારા 5 મિલિયનથી વધુ ઘરોને સસ્તી અને સ્વચ્છ ઉર્જા મળી રહી છે. આ પહેલથી 2,500 થી વધુ ગ્રીન જોબ્સનું સર્જન થયું છે. જેનાથી સ્થાનિક અર્થતંત્રો અને કૌશલ્ય વિકાસને પણ વેગ મળે છે.
ગ્રીન એનર્જીના ઉપયોગથી દર વર્ષે 60 મિલિયન ટન CO₂ ઉત્સર્જનને ટાળવામાં મદદ મળે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તરફનું તે એક મહત્વપૂર્ણ પગલું છે. આ સૌર મોડ્યુલોની કુલ લંબાઈ 65,000 કિલોમીટરથી વધુ છે, જે પૃથ્વીના વિષુવવૃત્તની 1.5 વખત પ્રદક્ષિણા કરવા સમાન છે. આ સરખામણી પ્રોજેક્ટનો વિશાળ સ્કેલ અને વૈશ્વિક મહત્વ દર્શાવે છે.
અદાણી સોલાર દ્વારા જનરેટ કરવામાં આવેલા મોડ્યુલ પૈકી 10,000 મેગાવોટ સમગ્ર ભારતમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 5,000 મેગાવોટ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચાડવામાં આવ્યા છે. તે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતના વધતા ઉત્પાદન કૌશલ્ય અને અદાણી સોલારની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, 70% મોડ્યુલ ભારતમાં ઉત્પાદિત સોલાર સેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા, જે આત્મનિર્ભર ભારતના વિઝન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
અદાણી સોલારનું ઝડપી વિસ્તરણ આગામી વર્ષ સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતાને બમણી કરવા ભણી છે. ટૂંક સમયમાં તે વધુ 15,000 મેગાવોટ ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખે છે. રિસર્ચ કંપની વુડ મેકેન્ઝી દ્વારા વિશ્વના ટોચના 10 સોલાર મોડ્યુલ ઉત્પાદકોમાં એકમાત્ર ભારતીય કંપની તરીકે માન્યતા પ્રાપ્ત અદાણી સોલાર ભારતમાં સૌથી મોટું રિટેલ નેટવર્ક ધરાવે છે. વુડ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે ભારતની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 2025 સુધીમાં 125 ગીગાવોટને વટાવી જવાના માર્ગે છે, જે લગભગ 40 ગીગાવોટની સ્થાનિક બજાર માંગ કરતાં ત્રણ ગણી વધારે છે.
સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના યોજનામાં અગ્રણી એવી અદાણી સોલાર 2027 સુધીમાં 10 મિલિયન ઘરોમાં સૌર ઊર્જા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
