અમદાવાદ, 8 ઓગસ્ટ:  ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત “જય-વીરુની જોડી” તેમજ એક ડોક્યુમેન્ટરી “જય-વીરુની અમર ગાથા” નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ આજે લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં અવસાન થયું છે.

પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે.

Jay Veeru Ni Jodi: https://youtu.be/82cBmjCMh_4

જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તારપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે “ગિર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગયા વર્ષે વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૪)ના દિવસે રિલીઝ થયું હતું.

“જય-વીરુની અમર ગાથા” : https://youtu.be/KGh81T4q6Ks

“જય અને વીરુ માત્ર સિંહ ન હતા તેઓ વફાદારી, એકતા અને મિત્રતાનું દ્રષ્ટાંત હતા. આ જોડીએ ઘણા લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે,” તેમ શ્રી નથવાણીએ જણાવ્યું અને ઉમેર્યું કે “આ ગીત અને ડોક્યુમેન્ટરી મારા અને અનેક સિંહ પ્રેમીઓનાં ભાવોને અભિવ્યક્ત કરે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)