અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની
અમદાવાદ, 15 November: અંબુજા સિમેન્ટ લિમિટેડ અને તેની પેટાકંપનીઓ ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) ભલામણો અપનાવનાર પ્રથમ કંપની બની છે. વૈશ્વિક સ્તરે ૯મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ આપનાર કંપની આ સાથે પ્રકૃતિને સાનુકૂળ વ્યાવસાયિક પરિવર્તન કરનાર ટોચના વૈશ્વિક ઉદ્યોગોમાં સામેલ થઈ છે. TNFD ભલામણોને સ્વીકારીને અદાણી સિમેન્ટ પ્રકૃતિ-સંબંધિત જોખમો અને સંભાવનાઓની ઓળખ, સમીક્ષા, સંચાલન અને તદઅનુસાર તે જાહેર કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની આ રીતે ટકાઉ ઉત્પાદનમાં તેનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. અદાણી સિમેન્ટ, જેમાં ભારતની પ્રતિષ્ઠિત અને સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ અંબુજા સિમેન્ટ્સ અને ACCનો સમાવેશ થાય છે, તે TNFD નિયમો અપનાવનાર વિશ્વની સાત સિમેન્ટ કંપની પૈકી એક બની છે.
TNFD એ યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ ફાઇનાન્સ ઇનિશિયેટિવ (UNEP FI), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અને ગ્લોબલ કેનોપી દ્વારા સ્થાપિત વૈશ્વિક વિજ્ઞાન-આધારિત પહેલ છે. તે કંપનીઓને જરૂરિયાત મુજબ આવશ્યક નિર્ણય લેવા અને કોર્પોરેટ રિપોર્ટિંગમાં પ્રકૃતિલક્ષી સર્વગ્રાહી માર્ગદર્શન આપે છે.
અદાણી સિમેન્ટ નાણાકીય વર્ષ-26થી TNFD-નિર્ધારિત ભલામણોને ઔપચારિક રીતે અપનાવશે અને તે દ્વારા પર્યાવરણીય કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધારશે. આ પગલું કંપનીની હાલની આબોહવા જોખમ સમીક્ષા તથા વિગતો જાહેર કરવાની પદ્ધતિ પર આધારિત છે, જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખાને અનુરૂપ છે. અદાણી સિમેન્ટે પહેલેથી જ મજબૂત ESG ધોરણો અપનાવેલાં છે, જે અંતર્ગત મોટાપાયે વનીકરણનો સમાવેશ થાય છે. કંપનીએ 7 મિલિયનથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે, પાણીના વપરાશના વૈશ્વિક ધોરણો અપનાવીને 12x પાણીની બચત કરી છે એટલું જ નહીં પરંતુ ઉત્પાદન સ્થળો અને કામગીરીમાં બાયોડાયવર્સિટી સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપી છે.
અંબુજા સિમેન્ટ્સ અને ACC બંને કંપનીઓ GRIHA-નિર્ધારિત લો-કાર્બન સિમેન્ટ અને કોંક્રિટ બાંધકામ ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે, જેમાં કંપનીઓના પોર્ટફોલિયોના 85%થી વધુ ગ્રીન સિમેન્ટ મિશ્રણનો સમાવેશ થાય છે. આ બંને કંપનીના પ્રીમિયમ ઉત્પાદનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહાયરૂપ છે જે ટકાઉ બાંધકામ ઇકોસિસ્ટમ માટે સૌથી આવશ્યક છે. અદાણી સિમેન્ટ નાણાકીય વર્ષ-28 સુધીમાં 30% AFR ઉપયોગ અને 60% ગ્રીન ઊર્જા વપરાશનું લક્ષ્ય રાખે છે. એ દ્વારા જવાબદાર સંસાધન વ્યવસ્થાપન અને બાયોડાયવર્સિટી સંરક્ષણના TNFD સિદ્ધાંતોને સીધા આગળ ધપાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
