સુરત, 22 માર્ચ: સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (NSE, BSE: ANURAS)એ રૂ. 670 કરોડના રોકાણ સાથે નવા પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MOU) કર્યાં છે. આ પ્લાન્ટ્સ ગુજરાતના ઝઘડિયા અને સચિનમાં સ્થાપિત કરાશે. કંપનીની વર્ષ 2025 પહેલાં આ પ્લાન્ટ્સને કાર્યરત કરવાની યોજના છે. આ પ્લાન્ટ્સ મુખ્યત્વે ફ્લોરોકેમિકલ્સના ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જે જાપાન, યુરોપ અને અમેરિકાના એગ્રોકેમિકલ, પોલીમર્સ અને ફાર્મા સેક્ટરના વર્તમાન અને સંભવિત ક્લાયન્ટ્સની માગને પૂર્ણ કરશે. આ અંગે અનુપમ રસાયણના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇએ કહ્યું કે સુરત અને ભરૂચમાં ત્રણ નવા પ્લાન્ટ્સની સ્થાપના કરવા ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યાં છે. રૂ. 670 કરોડનું રોકાણ અમારી કામગીરી વિસ્તારવા અને અમારી ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાની વ્યૂહાત્મક પહેલ સાથે સુસંગત છે. નવા યુનિટ્સ અમારી વૃદ્ધિની સંભાવનાઓને બળ આપશે તથા અમારી પ્રોડક્ટ ઓફરિંગને વૈવિધ્યસભર કરવામાં મદદરૂપ બનશે. અમે જે-તે ગ્રાહક માટે વિશિષ્ટ ધોરણે ખાસ ફ્લોરો ડેરિવેટિવ્ઝ રજૂ કરીશું.