અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ ધરાવતી મોબાઇલ બેંકિંગ એપ બની છે, જેનું રેટિંગ 4.8 છે – જે વિશ્વની 59 બેંકોમાં, 8 ગ્લોબલ નીયો બેંકો અને 50 ભારતીય ફિનટેક એપમાં સૌથી ઊંચું છે. તે ઉપરાંત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 62 ટકા અને ત્રિમાસિક ધોરણે 10 ટકા વધીને રૂ. 5,853 કરોડ થયો છે. બેંકની કોર્પોરેટ લોન વાર્ષિક ધોરણે 8 ટકા અને ત્રિમાસિક ધોરણે 9 ટકા, રિટેલ લોન વાર્ષિક ધોરણે 17 ટકા અને ત્રિમાસિક ધોરણે 1 ટકા વધી છે. સ્મોલ બિઝનેસ બેંકિંગ, કાર્ડ્સ અને ગ્રામીણ લોન્સમાં અનુક્રમે વાર્ષિક ધોરણે 60 ટકા, 39 ટકા અને 27 ટકા વધી છે. આ સાથે એક્સિસ બેંકે એના તમામ વ્યવસાયિક સેગમેન્ટમાં લોનમાં સફળતાપૂર્વક ઊંચી વૃદ્ધિ કરી છે. બેંક 17.9 ટકા ટર્મિનલ માર્કેટ હિસ્સા સાથે મર્ચન્ટ એક્વાયરિંગમાં બીજી સૌથી મોટી કંપની તરીકે બહાર આવી છે. સપ્ટેમ્બરથી નવેમ્બર, 2022ના ગાળા માટે આરબીઆઈના આંકડા મુજબ, આ ત્રણ મહિનામાં એના બજારહિસ્સામાં 43 ટકાનો વધારો થયો છે.

એક્સિસ બેંકનાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રાજીવ આનંદ અને કમર્શિયલ બેંકિંગ ગ્રૂપના પ્રેસિડન્ટ અને હેડ સંગ્રામ સિંહે મીડિયા પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે મીડિયાને એક્સિસ બેંકની મજબૂત કામગીરી વિશે જાણકારી આપી હતી.

31 ડિસેમ્બર, 2022 સુધી એની ગ્રામીણ લોનમાં વાર્ષિક ધોરણે 27 ટકા, વિતરણમાં વાર્ષિક ધોરણે 12 ટકા અને સ્થાનિક ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 16 ટકાની વૃદ્ધિ થઈ છે.

એક્સિસ બેંક ભારત બેંકિંગ અને એસએમઇ સેગમેન્ટ્સમાં બજાર હિસ્સો વધારીને સ્થાનિક લોનમાં ઊંચી અને સંતુલિત વૃદ્ધિ પ્રદાન કરે છે. બેંકના 30 ટકા એમએસએમઇ ગ્રાહકો પશ્ચિમ ઝોનમાંથી, 31 ટકા દક્ષિણ ઝોનમાંથી, 26 ટકા ઉત્તર ઝોનમાંથી અને 13 ટકા પૂર્વ ઝોનમાંથી છે. એક્સિસ બેંકએ બેંકિંગની પરંપરાગત રીત ઉપરાંત એમએમએસઇને ટેકો આપવાની પહેલ ‘ઇવોલ્વ’ શરૂ કરી છે. ઇવોલ્વની 7મી એડિશનનું આયોજન 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં થયું હતું, જેમાં વિસ્તૃત થીમ – ‘ઇન્ડિયન એસએમઇઃ શિફ્ટિંગ ગીઅર્સ ફોર નેક્સ્ટ લેવલ ગ્રોથ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેની અન્ય બે પેટાથીમ હતી – ‘ભારતીય એસએમઇનું નિર્માણ કરવા ડિજિટલાઇઝેશન’ અને ‘નવી દુનિયામાં એસએમઇ મેટ નિકાસની તકો.’

એક્સિસ બેંકે સ્પર્શ નામનો એનો કસ્ટમર ઓબ્સેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ માટે બેંકે એના કર્મચારીઓને રોજિંદા સંવાદમાં ગ્રાહકને ખુશ કરવા સક્ષમ બનાવ્યાં છે, ત્યારે તેમને ડિજિટલ અને એનાલીટિક્સનો ઉપયોગ કરીને સ્માર્ટ સોલ્યુશન્સ આપવા પણ સજ્જ કર્યા છે.

તાજેતરમાં એક્સિસ બેંકની સ્ટેપ-ડાઉન પેટાકંપની તરીકે એક્સિસ પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ (એક્સિસ પીએફએમ) શરૂ થઈ હતી, આ પેટાકંપનીએ વ્યવસાય શરૂ કર્યાના પ્રથમ 45 દિવસમાં રૂ. 100 કરોડથી એયુએમ મેળવી હતી.

ગુજરાતમાં 390 શાખઆઓનું મજબૂત બેંકિંગ નેટવર્ક

બેંક ગુજરાત રાજ્યમાં 390 શાખાઓ અને 1046 એટીએમનું બહોળું નેટવર્ક ધરાવે છે, જેમાં અમદાવાદમાં 80 શાખાઓ અને 243 એટીએમ સામેલ છે. કુલ શાખાઓમાં 148 શાખાઓ મેટ્રો, 162 શહેરી અને અર્ધશહેરી વિસ્તારો, 20 ગ્રામીણ અને 60 બેંકની સુવિધાથી વંચિત ગ્રામીણ સ્થાનો છે. ઉપરાંત બેંક રાજ્યમાં 19 કમર્શિયલ ગ્રૂપ સેન્ટર્સ ધરાવે છે, જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં છે.