મુંબઈ, 6 નવેમ્બર: દિવાળીના શુભ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ રોકાણકારોની સુલભતાને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. 11 પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરતા એનએસઈએ તેની ઓફિશિયલ એનએસઈ મોબાઇલ એપ (NSEIndia) લોન્ચ કરી છે અને તેની કોર્પોરેટ વેબસાઇટ www.nseindia.comને વિસ્તારી છે. આ બંને સુવિધાઓનું લોન્ચિંગ સમગ્ર દેશમાં રોકાણકારો માટે વધુ સમાવેશક નાણાંકીય ઇકોસિસ્ટમ ઊભી કરવાની એનએસઈની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્લેટફોર્મ આધુનિક રોકાણકારોની જરૂરિયાતોને પૂરી કરે તેવા ફીચર્સના લોન્ચ માટેનો પાયો બનશે. તે એક્સેસિબિલિટી, સુરક્ષા અને યુઝરના અનુભવ પ્રત્યે એનએસઈની વર્તમાન પ્રતિબદ્ધતા દર્શાવે છે.

NSE ના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, “સૌને ખુશહાલ અને સમૃદ્ધ દિવાળીની શુભેચ્છાઓ. આજે એનએસઈ તેના કામકાજના 30 વર્ષો પૂરા કરી રહી છે, ત્યારે અમે હાલની અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ઉપરાંત આસામી, બંગાળી, કન્નડા, મલયાલમ, ઓરિયા, પંજાબી, તમિળ અને તેલુગુ જેવી અન્ય 8 ભારતીય ભાષાઓમાં વેબસાઇટ્સ ઉપરાંત મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ વર્ષે NSE પર મુહૂર્ત ટ્રેડિંગ અનેરું મહત્વ ધરાવે છે. ભારતના નાણાંકીય ક્ષેત્રે વિશ્વાસ, નવીનતા અને વૃદ્ધિનું પ્રતીક છે. રોકાણકારોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય રીતે સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કારણ કે રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન એનએસઈની પ્રાથમિકતાઓ પૈકીની એક રહી છે. અમે રિટેલ રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ દ્વારા ટકાઉ સંપત્તિ સર્જનમાં આગળ વધવા અપીલ કરીએ છીએ.”

NSE ના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે “આ દિવાળી ભારતના મૂડી બજારમાં એનએસઈની વર્તમાન પ્રતિબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન છે. અમારી નવી મોબાઇલ એપ અને અમારી વેબસાઇટનું 11 પ્રાદેશિક ભાષાઓમાં વિસ્તરણ એ વધુ સમાવેશક અને સુલભ નાણાંકીય ઇકોસિસ્ટમ તરફના પરિવર્તનકારી પગલાં છે. આ પહેલ ઝડપી ટૂલ્સ, રિયલ-ટાઇમના જેવી ઇનસાઇટ્સ તથા પોતાની માતૃ ભાષામાં બજારની માહિતી મેળવવાની સુગમતા દ્વારા રોકાણકારોને સશક્ત બનાવવા તૈયાર કરવામાં આવી છે. અમે બજારોને દરેક વ્યક્તિની નજીક લઈ જતા ગર્વ અનુભવીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે તેઓ ગમે તે બેકગ્રાઉન્ડના હોય પરંતુ ભારતની આર્થિક સફરમાં આત્મવિશ્વાસભેર ભાગ લઈ શકે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)