અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઈડની જેફરીઝની આગાહી
નવી દિલ્હી, 9 એપ્રિલઃ અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઇડની આગાહી કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને ફાઇનાન્શિયલ રિસર્ચ સર્વિસિસમાં ખ્યાતનામ જેફરીઝ જૂથે તેના સટીક અને પ્રબળ કારણો જણાવતા મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તાજેતરમાં અદાણીના કોપર યુનિટની શરૂઆત બાદ તેના સ્ટોકમાં સંભવિત ઉછાળા માટે 4 મુખ્ય કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે. જેમાં આગામી સમયમાં કોપરની માંગ વધવાની સાથે મુંદ્રા પ્લાન્ટનું વ્યૂહાત્મક સ્થાન, પાવરગ્રીડ અને લોજીસ્ટિક્સની ઉપલબ્ધતા તેમજ સૌથી મોટા સિંગલ લોકેશન કોપર સ્મેલ્ટરનો સમાવેશ થાય છે.
અદાણી એન્ટરપ્રાઈઝે મુંદ્રા ખાતે કોપર યુનિટની શરૂઆત કરી નવા બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ ગત વર્ષે ફેબ્રુઆરીમાં જોવા મળેલા નીચલા સ્તરથી બમણા કરતા વધુ છે. જો કે કોપર યુનિટના પ્રથમ તબક્કાના કમિશનિંગ અને બીજા તબક્કા દરમિયાન હાથ ધરવામાં આવેલા વિસ્તરણને કારણે અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં જેફરીઝ ઈન્ડિયા લિમિટેડના વિશ્લેષકો લગભગ 17% અપસાઇડની અપેક્ષા રાખે છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે જેફરીઝની ટાર્ગેટ પ્રાઈઝ ₹3800 છે જ્યારે શેર ₹3212ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. કોપર કેથોડ ઉત્પાદનમાં અદાણી એન્ટરપ્રાઈઝની એન્ટ્રી ફળદાયી થવાની અપેક્ષા છે. અદાણી એન્ટરપ્રાઈઝને તેમાં વાર્ષિક 500,000 ટન ક્ષમતાના પ્રથમ તબક્કાની શરૂઆત સાથે લાભ મળવાની અપેક્ષા છે. એટલું જ નહીં, સમાન ક્ષમતા સાથેનો બીજો તબક્કો આ જ વર્ષે શરૂ થવાની સંભાવના છે.
અદાણી એન્ટરપ્રાઈઝના FY26ના અંદાજિત EBITDA માં કોપર લગભગ 10% અને મૂલ્યાંકનના સરવાળામાં એન્ટરપ્રાઇઝ વેલ્યુ મિક્સનો 3% હિસ્સો ધરાવે છે. છેલ્લા બે દાયકામાં અદાણી એન્ટરપ્રાઇઝિસે બંદરો, પાવર, સીજીડી, ટ્રાન્સમિશન અને એફએમસીજીના ક્ષેત્રોમાં ડિમર્જર સહિત સંખ્યાબંધ બિઝનેસ એન્ટિટીનો વિકાસ અને સૂચિબદ્ધ કર્યા છે. ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર્સ અને એરપોર્ટ્સ જેવા નવા ઉદ્યોગોમાં ભવિષ્ય માટે અનેક નવા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્લેષકોના મતે કોપર પ્રોજેક્ટનું આયોજિત કમિશનિંગ મોટા પાયે પ્રોજેક્ટ્સનું પ્લાનીંગ અને અમલવારી કરવાની જૂથની ટકાઉ ક્ષમતા સૂચવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)