રવિશ ગુપ્તા, બિઝનેસ હેડ, ગોલ્ડ લોન, કેપ્રિ ગ્લોબલ કેપિટલ

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી કરાય છે. જ્યારે ટૂંકા ગાળાની લોનના કિસ્સામાં છ મહિનાની મુદત હોય છે અને તેને એકસામટી રકમથી ચૂકવવામાં આવે છે.

ગોલ્ડ લોન એ સાધારણ માપદંડો અને શરતો ધરાવતી એક સુરક્ષિત લોન છે જેમાં નીચો ક્રેડિટ સ્કોર અને ઇતિહાસ ધરાવતો ઋણધારક પણ અરજી કરી શકે છે. જો કે, એવી પરિસ્થિતિઓ આવતી હોય છે જ્યારે ગોલ્ડ લોનની ચુકવણી ચૂકવવામાં વિલંબ થઈ જાય છે. એ નોંધવું અગત્યનું છે કે પુન:ચુકવણીમાં ચૂક થાય તો તેના વિવિધ પરિણામો હોઈ શકે છે જે દરેક કેસમાં બદલાય છે. ડિફોલ્ટ ઋણધારક પર કરવામાં આવતી કાર્યવાહી પણ એક ધિરાણકર્તાથી અન્ય ધિરાણકર્તાએ જુદી જુદી હોય છે. તેથી ઋણધારકે ડિફોલ્ટને ટાળવા માટે અને જો તે પહેલાથી જ તે માર્ગે પડી ચૂક્યો હોય તો તેમાંથી બહાર નીકળવા માટે પણ ઘણા બધા ઉપાયો છે.

ગીરવે રાખેલા સોનાના દાગીનાને હરાજી થવામાંથી સુરક્ષિત કરો

જો ઋણધારક નિર્ધારિત સમયમર્યાદામાં અને વારંવારના રીમાઇન્ડર્સ પછી ગોલ્ડ લોનની રકમની સંપૂર્ણ ચુકવણી ન કરે તો, ધિરાણકર્તાને સોનાની વસ્તુઓની જાહેર હરાજી કરવાનો અને નુકસાનની વસૂલાત કરવાનો અધિકાર છે. સોનાની હરાજી થતી ટાળવા માટે, ઋણધારકોએ સમયસર જવાબ આપીને નોટિસનું સન્માન કરવું જોઈએ. અપવાદરૂપ કિસ્સાઓમાં, નોટિસમાં ઉલ્લેખિત આંશિક ચુકવણી ધિરાણકર્તાની મરજી હોય તો ચૂકવી શકાય છે. ઋણધારકો પુન:ચુકવણીની તેમની જવાબદારી પૂરી કરવાના ઉકેલ તરીકે પુન:ચુકવણીનો સમયગાળો લંબાવવા અને આંશિક ચુકવણીના વિકલ્પ અંગે પણ ચર્ચા કરી શકે છે.

દંડને ટાળવા માટેના ચૂકવણીના વિકલ્પો જાણો અને તેનું મૂલ્યાંકન કરો

ધિરાણકર્તાઓ સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેનારા ઋણધારકો પાસેથી દંડનીય વ્યાજ દર વસૂલી શકે છે. દંડાત્મક વ્યાજ સામાન્ય રીતે વાર્ષિક 3% થી 12% ના દરે વસૂલવામાં આવે છે અને તે જુદાજુદા ધિરાણકર્તા પ્રમાણે અલગ અલગ હોય છે. સારા ખોટાનો વિચાર અને ભંડોળની ભાવિ સંભવિતતાઓ અંગેનો નિર્ણય ઋણધારકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ રીતે બંધબેસતો યોગ્ય ગોલ્ડ લોન ચુકવણીનો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે.

મુદ્દલ અને વ્યાજની રકમ પરત ચૂકવવા માટે અનેક અનુકૂળ વિકલ્પો છે. ઋણધારક દર મહિને મુદ્દલ અને વ્યાજ બંને ચૂકવી શકે છે. બીજું, ઋણધારક નિયમિત સમયગાળે વ્યાજ ચૂકવી શકે છે અને મુદતના અંતે મુદ્દલ રકમની પતાવટ કરી શકે છે. આ વિકલ્પમાં, ઋણધારકને લોનના સમગ્ર સમયગાળા દરમિયાન મુદ્દલની રકમ ચૂકવવા અંગે ચિંતા કરવાની જરૂર હોતી નથી. વધુમાં, ધિરાણકર્તાઓ આંશિક ચુકવણીનો વિકલ્પ પણ આપે છે જેમાં ઋણધારક લોનની મુદત દરમિયાન જ્યારે ઈચ્છે ત્યારે વ્યાજ અને મુદ્દલની આંશિક ચૂકવણી કરી શકે છે. બુલેટ રિપેમેન્ટ વિકલ્પ હેઠળ, ઋણધારક લોનની મુદતના અંતે વ્યાજ અને  મુદ્દલ બંનેની ચુકવણી કરી શકે છે. લોન પરના વ્યાજની ગણતરી દર મહિને કરવામાં આવે છે પરંતુ તે માત્ર ગોલ્ડ લોનની મુદતના અંતે ચૂકવવાપાત્ર બને છે. આ વ્યવસ્થામાં, ઋણધારકને EMIની તારીખને અનુસરવા અથવા સમગ્ર મુદત દરમિયાન આંશિક ચુકવણી કરવા અંગે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

સમયાંતરે અને વારંવારના રીમાઇન્ડર્સને ટાળો

ધિરાણકર્તાઓ નિયંત્રિત સંસ્થાઓ છે અને ડિફોલ્ટર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરતા પહેલાં નાદારીની લેખિત સૂચના આપે છે. તેઓ ઋણધારકોને દોષિત ઠેરવવાનો અથવા તેમના અધિકારો છીનવી લેવાનો ઇરાદો ધરાવતા નથી, તેના બદલે બાકી લેણાંની ચુકવણી માટે ચોક્કસ નોટિસ ગાળાની ઓફર કરે છે. ઋણધારકોએ પુન:ચુકવણી ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને ધિરાણકર્તા સાથે પુન:ગોઠવણ અથવા એડજસ્ટ કરવા માટે ચુકવણીના સમયપત્રકની ચર્ચા કરવી જોઈએ.

ક્રેડિટ સ્કોર પર અસર ક્રેડિટ સ્કોર અને ગોલ્ડ લોનની મંજૂરી વચ્ચે કોઈ સંબંધ હોતો નથી, તેમ છતાં, ચુકવણીમાં નિષ્ફળતા તેના પર અસર કરી શકે છે. ભારતમાં ગોલ્ડ લોન કંપનીઓ સામાન્ય રીતે ક્રેડિટ બ્યુરોને મંજૂર થયેલી ગોલ્ડ લોનની રકમ ભરપાઈ કરવામાં થયેલી નિષ્ફળતા અંગે નોટિસ મોકલે છે. પછી ક્રેડિટ બ્યુરો તમામ NBFC અને બેંકોને જાણ કરે છે. તેનાથી ક્રેડિટ સ્કોરને અસર થાય છે અને તેથી ભવિષ્યમાં લોન માટે અરજી કરવાની તકો સામે અવરોધ આવે છે. ઉપરાંત, જો લોન આપવામાં આવી હોય, તો તેના વ્યાજ દરો સામાન્ય વ્યાજ દર કરતાં વધુ હશે.