વોડાફોન આઇડીયા 5% અપ, બીએસઇનો શેર એનએસઇમાં ઝળક્યો

અમદાવાદ, 20 માર્ચઃ બુધવારે સેન્સેક્સ વધુ 148 પોઈન્ટ્સ વધીને 75449ના લેવલે અને  નિફ્ટી વધુ 73 પોઇન્ટ્સના ગેઇને 22907ના સ્તરે વિરમ્યા હતા. બુધવારે (આપણી મધ્યરાત્રીએ) યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા થનારા વ્યાજ કપાતના નિર્ણયની આતુરતા પૂર્વક રાહ જોવાય છે. ફેડ રેટ વર્તમાન સ્તરે જાળવી રાખી 2025 માં વધુ ઘટાડાનો સંકેત આપે એવી બજારની ધારણા છે. પૂર્વે 2025માં 50 બેસીસ પોઇન્ટ્સના રેટ કટનો અંદાજ હતો તેના બદલે હવે 75 બેસિસ પોઇન્ટ્સના ઘટાડાનો સંકેત આવી શકે છે. ડોલરની થોડી નબળાઇ અને તેના કારણે ફુગાવાનું દબાણ પણ થોડું વધી રહ્યું છે ત્યારે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) થોભો અને રાહ જૂઓનો માર્ગ અપનાવે એવી સંભાવના વધુ છે. સીટી જૂથે પ્રથમ ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્રમાં 0.1% સંકોચનની આગાહી કરી છે. મિશ્ર છૂટક વેચાણ ડેટા અને નબળા ગ્રાહક અને વ્યાવસાયિક વિશ્વાસના આંકડા આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યા હોવાનું આ ગ્રુપ માને છે. ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓની અસર સમજાવી સીટી ગ્રુપ જણાવે છે કે જો ટેરિફ મજબૂત ડોલરને ટેકો આપે તો વ્યાપક વૈશ્વિક અનિશ્ચિતતાઓ આવી અસરનો સામનો કરી શકે છે. જોકે તેથી વિપરિત નબળા ડોલરથી ઉભરતા બજારો રોકાણકારોની સંપત્તિ પર વધુ આકર્ષક વળતર મેળવી  ફાયદામાં રહે છે. આમ ફેડરલ રિઝર્વના રેટ કટનો નિર્ણય નહીં પણ 2જી એપ્રિલથી અમલમાં આવનાર ટેરિફ અને તેની ડોલર પરની અસર બજાર માટે નિર્ણાયક બની રહેશે અને યુએસ રેટ કટ કે નો કટનો નિર્ણય માટો ભાગે નોન ઇવેન્ટ બની રહેશે.

સેબીએ ડિજીલોકર સુવિધાનો લાભ શેરો, મ્યુ. ફંડ હોલ્ડીંગ્સ ઇત્યાદિનો રેકોર્ડ રાખવા રોકાણકારો લઇ શકે તે માટે મંજૂરી આપી

ગુરૂવારે નિફ્ટી વિક્લી ઓપ્શન્સની એક્સપાયરી પણ છે તેથી બજારમાં ચંચળતા વધી શકે છે. સેબીએ ડિજીલોકર સુવિધાનો લાભ શેરો, મ્યુ. ફંડ હોલ્ડીંગ્સ ઇત્યાદિનો રેકોર્ડ રાખવા રોકાણકારો લઇ શકે તે માટે મંજૂરી આપી છે. હાલમાં આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ આ રીતે ડિજીલોકરમાં રાખી શકાય છે અને ફિઝીકલ જેટલી જ માન્યતા ડિજીલોકરમાં રાખેલ શેરો વગેરેને મળવાના કારણે, દાવો નહીં કરાયેલ શેરોનું પ્રમાણ ઘટવાની સંભાવના છે.

તેજીની આગેકૂચમાં એનએસઇના 124 ઇન્ડેક્સોમાંથી 114 પ્લસમાં બંધ થયા

તેજીની આગેકૂચમાં એનએસઇના 124 ઇન્ડેક્સોમાંથી 114 પ્લસમાં બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ મંગળવારના 2.63%ના વધારા ઉપરાંત બુધવારે વધુ 1.61 ટકા વધી 982 પોઇન્ટ્સના ગેઇન સાથે  61953.45 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ પણ મંગળવારના 2.29%ના ગેઇન ઉપરાંત બુધવારે વધુ 1.88%, 209 પોઇન્ટ્સ સુધરી 11352 બંધ હતા. નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિ બેન્ક નિફ્ટી 0.79% સુધરી 49702 અને ફાઇનેન્શ્યલ સર્વીસીસ 0.71% વધી 24140ના સ્તરે વિરમ્યા હતા. એનએસઇના ઇન્ડેક્સોમાં નિફ્ટી ઇન્ડીયા ડીફેન્સ ઇન્ડેક્સ આજે 4.85% ઉછળી 6064, નિફ્ટી કેપીટલ માર્કેટ્સ ઇન્ડેક્સ મંગળવારના 3.68%ના ગેઇન ઉપરાંત બુધવારે વધુ 4.02% સુધરી 3193, નિફ્ટી રિયલ્ટી 2.80% સુધરી 845, નિફ્ટી ઇન્ડીયા ટૂરીઝમ  2.19%ના ફાયદા સાથે 8535ના સ્તરે બંધ રહ્યા હતા. જોકે મંગળવારના જબરજસ્ત ઉછાળા પછી બુધવારે  42 ઇન્ડેક્સો એકથી બે ટકા પ્લસ થઇ બંધ રહ્યા અને 49 ઇન્ડેક્સો બંધ સમયે 0થી 1 ટકાની રેન્જમાં સુધારો દર્શાવતા હોવાનો ટ્રેન્ડ સહજ ગણાય. માર્કેટ બ્રેડ્થ એડવાન્સિસની તરફેણમાં હતી. બુધવારની બાજી મિડ, સ્મોલ, મલ્ટીકેપ્સના હાથમાં હતી. નિફ્ટીના 50માંથી 31 શેરો વધીને બંધ રહ્યા તેની સામે નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 45 શેરો અને મિડકેપ સિલેક્ટના 25માંથી 21 શેરો સુધર્યા હોવાની બાબત આ વાતની સાક્ષી પૂરે છે.  મૂડી બજારનું પ્રતિનિધિત્વ કરતાં કેપીટલ ઇન્ડેક્સના 15માંથી 14 શેરો બુધવારે પણ પ્લસમાં હતા. આદિત્ય બિરલા સનલાઇફ એએમસી  6.36 ટકા વધી રૂ. 633,  બીએસઇ 5.82% ઉછળી 4388 ,  કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વીસીસ (કેમ્સ) મંગળવારના  5. 69%ના ઉછાળા ઉપરાંત બુધવારે વધુ 5.77% સુધરી રૂ. 3810ના સ્તરે બંધ થયા હતા.

ઇન્ડીયા ડીફેન્સનાં સોળે ય શેર સોળે કળાએ

નિફ્ટી ઇન્ડીયા ડીફેન્સના તો સોળે સોળ શેરો સુધરીને બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ 4.85% વધી 6064 થયો હતો. ઘટક શેર ગાર્ડન રીચ શીપબિલ્ડર્સમાં તો વીસ ટકાની ઉપલી સર્કીટ લાગતાં રૂ. 273 વધી 1641 બંધ હતો. કંપનીને એનએસઇ અને બીએસઇએ સ્વતંત્ર ડીરેક્ટર્સની જાણકારી આપવાની શરતોનો ભંગ કર્યો તેથી બીએસઇ ને એનએસઇ બંન્નેએ રૂ. 5.52લાખ-5.52લાખનો દંડ ફટકાર્યો હોવાની જાણ મંગળવારે બજાર બંધ થયા પછી કંપનીએ કરી હતી. આઇડીયા ફોર્જ ટેકનોલોજી 13 ટકાના ઉછાળા સાથે રૂ. 380 થઇ ગયો હતો. મઝગાંવ ડોક 10 ટકા વધી રૂ. 2628 બંધ હતો. મંગળવારે સબમરીન માટેની એર ઇન્ડીપેન્ડન્ટ પ્રોપલ્ઝન (એઆઇપી) સિસ્ટમનું અનાવરણ કર્યું હતુ. આનો વપરાશ ભારતીય નૌસેનાની સ્કોર્પયન ક્લાસ સબમરીનોમાં થશે. કોચીન શીપયાર્ડ 8.87% અને મિશ્ર ધાતુ નિગમ 8.37%  ઉછળી અનુક્રમે રૂ. 1459 અને 284ના સ્તરે બંધ હતા. ભારત ડાયનેમિક્સ 6.41%ના ગેઇને 1199 અને પારસ ડીફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી 6.20% વધી રૂ. 960ના સ્તરે વિરમ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સના છ-સવા છ ટકાના પ્રમાણમાં સુધરનારા શેરોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ રૂ. 1202, લોઢા રૂ. 1179 અને મહીન્દ્ર લાઇફસ્પેસ રૂ. 330નો સમાવેશ થતો હતો.

મંગળવારનો સુધારો આગળ વધતાં  નિફ્ટી 22834ના પ્રીવીયસ બંધ સામે 22874 ખુલી ઘટીને 22807નો લો રાખી વધીને 22940 થઇ છેલ્લે 0.32% વધી 22907 બંધ હતો. શ્રીરામ ફાઇનેન્સ ચાર ટકા વધી 667 બંધ હતો. એચડીએફસી લાઇફ પોણ ત્રણ ટકા વધી 665ના સ્તરે હતો. નિફ્ટીના અન્ય ગેઇનર્સમાં અપોલો હોસ્પીટલ 2.93% સુધરી  રૂ. 6430 અને ટાટા સ્ટીલ અઢી ટકા સુધરી રૂ. 158નો સમાવેશ થતો હતો. સ્ટીલ પર સેફગાર્ડ ડ્યુટી લાદવાની સરકારની દરખાસ્તની સાનુકૂળ અસર થઇ હતી. ટેક મહીન્દ્ર સવા બે ટકાના લોસે રૂ. 1397 બોલાતો હતો. આઇટીસી, ટીસીએસ અને ઇન્પોસીસ સવાથી દોઢ ટકા ઘટી અનુક્રમે રૂ. 403, 3505 અને 1589 બંધ હતા.

અહો આશ્ચર્યમ્: એનએસઇ ખાતે કુલ પાંચ ઇન્ડેક્સો પર એફએન્ડઓના સોદા થઇ શકે છે. આ પાંચેય ઇન્ડેક્સોનું પ્રતિનિધિત્વ કરતાં 130 શેરો પર વાયદો થાય છે. તેમાંથી માત્ર બે જ શેરોમાં બુધવારે 5થી 6 ટકાનો સુધારો જોવાયો હતો. એની સામે વાયદામાં હોય પણ આ પાંચ ઇન્ડેક્સમાં ન હોય એવા 101 શેરોમાંથી 13 શેરો 5થી 7 ટકાના પ્રમાણમાં બુધવારે વધ્યા હતા.

સમાચારોમાં આ શેરો પણ….

હ્યુન્ડાઇએ 1લી એપ્રિલથી કારના ભાવ 3 ટકા વધાર્યાની જાહેરાતના પગલે  શેર સવા બે ટકા વધીને રૂ. 1615 બંધ હતો.

વોડાફોન આઇડીયા 5 ટકા વધી રૂ. 7.46 બંધ હતો.મુંબઇમાં 5જી લોન્ચ કર્યાની અને સરકાર એજીઆર વેવ કરવા પર વિચારણા કરતી ન હોવાના સમાચારોની મિશ્ર અસર હતી.   ઇન્ડીગોનો સમાવેશ નિફ્ટી ફિફ્ટીમાં થવાની સંભાવના વ્યક્ત કરતા નુવામા ઓલ્ટરનેટીવના અહેવાલના પગલે શેરનો ભાવ સાડાત્રણ ટકા વધી રૂ. 4975 બંધ હતો.

માર્કેટ કેપીટલાઇઝેશન પાંચ લાખ કરોડ વધ્યું

એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 402.48(397.28) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 405(399.85) લાખ કરોડ થતાં બુધવારે રોકાણકારોની સંપત્તિ રૂ. પાંચ લાખ કરોડ વધી હતી.એનએસઇના 2990(3016) ટ્રેડેડ શેરોમાંથી 568(646) તથા બીએસઇના 4166(4159) ટ્રેડેડ શેરોમાંથી 1068(1276) માઇનસમાં બંધ થયા તેની સામે એનએસઇના 2345(2288) અને બીએસઇના 2986(2766) શેરો વધીને બંધ રહ્યા હતા. એનએસઇ ખાતે 42(30) અને બીએસઇમાં 81(65) શેરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 89(220) અને 154(294) શેરો 52 વીક લો પર હતા. એનએસઇના 244(153) શેરો ઉપલી સર્કીટે અને 43(121) શેરો નીચલી સર્કીટે પહોંચ્યા હતા.

FII-DIIના સામસામા રાહ: બુધવારે એફઆઇઆઇની રૂ. 1096 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની નેટ  રૂ. 2140 કરોડની લેવાલી રહેતાં કેશ સેગ્મન્ટમાં એકંદરે રૂ. 1044 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)