અમદાવાદ, 25 માર્ચઃ સોમવારે સપ્તાહની શરૂઆતના  દિવસે જ જાણે 27મી માર્ચને ગુરૂવારના રોજ પૂરા થનારા ઇન્ડેક્સોના વલણના હવાલા કેવા આવશે એનો ચિતાર આપી દીધો છે. નિફ્ટી પ્રીઓપન સેશનમાં 23350 અને 23732 વચ્ચે રમીને 232515ના સ્તરે સેટલ થયો હતો. પ્રીવીયસ ક્લોઝ 23350 સામે 138 પોઇન્ટ્સના ગેપથી ખુલ્યો હોવાથી એકંદરે 308 પોઇન્ટ્સ, 1.32% ઉછળી 23658ના સ્તરે બંધ હતો. 50માંથી 41 શેરો વધ્યા એમાં છ શેરો બાવન સપ્તાહની ઊચ્ચ સપાટીથી 2% સુધીના ડીસ્ટન્સ પર આવી ગયા હતા. એમાં ભારતી એરટેલ રૂ. 1716, જેએસડબલ્યુ સ્ટીલ રૂ. 1061, આઇસીઆઇસીઆઇ બેન્ક રૂ. 1361, બજાજ ફાયેનાન્સ રૂ. 9079, એચડીએફસી બેન્ક રૂ. 1802, આઇશર મોટર્સ રૂ. 5426 અને કોટક બેન્ક રૂ. 2180નો સમાવેશ થાય છે. બાવન સપ્તાહના બોટમેથી બે ટકાની રેન્જમાં હોય એવા નિફ્ટી શેરોની યાદીમાં હિરો મોટોકોર્પ રૂ. 3625 અને ટાઇટન રૂ. 3076 આ બે જ શેરો છે. નિફ્ટીમાં ટોપ 5 ગેઇનર્સમાં 4.86% સાથે કોટક બેન્ક રૂ. 2180,   એનટીપીસી 4.47% વધી રૂ. 367, સ્ટેટ બેન્ક 3.69%ના ગેઇને રૂ. 781, ટેક મહીન્દ્ર 3.60% સુધરી રૂ. 1459 અને પાવરગ્રીડ 3.14% વધી રૂ. 292ના સ્તરે વિરમ્યા હતા. નિફ્ટીમાં ઘટનારા શેરોમાં 2.79% તૂટી ઇન્ડ્સ ઇન્ડ બેન્ક રૂ. 667.75 થયો એની તથા પોણા ત્રણ ટકાના ઘટાડે ટાઇટન 3076 થઇ ગયો એમની નોંધ લેવી ઘટે. એનટીપીસીએ 1લી એપ્રિલથી કેરાન્દરી કોલસાની ખાણમાંથી વ્યાપારી ધોરણે કામગીરી શરૂ થવાની જાહેરાત કરી તેની સારી અસર થઇ હતી. સપ્ટેમ્બર 2024 પછી પહેલી વાર સતત છ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી સુધર્યાં છે. બંને ઇન્ડેક્સો મુખ્ય અવરોધ સ્તરોને વટાવી બે મહિનાના ઊચ્ચતમ સ્તરે પહોંચ્યા છે.

એનએસઇના આઇપીઓની દરખાસ્ત પર સેબીએ વિચારણા કરી

નિફ્ટી 2025માં પાછો પોઝીટીવ ઝોનમાં આવી ગયો છે. સેન્સેક્સ પણ 78,000 વટાવી ઇન્ટ્રાડેમાં 78107નો હાઇ નોંધાવી અંતે 1078 પોઇન્ટ્સ, 1.40%ના ગેઇને 77984ની સપાટીએ વિરમ્યો છે. એનએસઇના આઇપીઓ વિશે બોલતાં સેબીના નવનિયુક્ત ચેરમેન તુહિન કાંત પાન્ડેયએ સ્પષ્ટતા કરી હતી કે એનએસઇના આઇપીઓની દરખાસ્ત પર અમે વિચારણા કરી એને આગળ કેમ વધારી શકાય એનો વિચાર કરીશું.

માર્ચ મહિનામાં જ બીએસઇ માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 35  લાખ કરોડ વધ્યું  

વિવિધ ક્ષેત્રોના શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી તેમાં નિફ્ટી ફાઇનેન્શીયલના શેરોમાં  વિશેષ વધારો જોવા મળ્યો છે. બજારની આ તેજીમાં માર્ચ મહિનામાં જ બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 35  લાખ કરોડ જેટલું વધ્યું  છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 2.20%  સુધરી, 1111 પોઇન્ટ્સ ઉછળી 51704 બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 1.67% ના ગેઇને વધીને 11699 પર બંધ થયો હતો. ઇન્ડીયા વીક્સમાં લગભગ 9 ટકાનો વધારો આગામી દિવસોમાં બજારમાં ચંચળતા વધવાનો નિર્દેશ કરે છે. સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓને મોટા ઓર્ડર મળતાં ઇન્ડીયા ડિફેન્સ વધુ 3.41 ટકા વધી 6440 થયો હતો. પીબી હેલ્થમાંના  રોકાણ અંગે પીબી ફિનટેકે સ્પષ્ટતા કર્યા પછી પાંચ સત્રોમાં 30%નો વધારો જોવા મળ્યો છે. શેર સોમવારે ચારેક ટકા વધી રૂ. 1676ના સ્તરે બંધ હતો. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા પ્રસ્તાવિત સુધારાઓની અસરે ગેસ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. ગેઇલ પોણાચાર ટકા વધી રૂ. 181 અને ઇન્દ્રપ્રસ્થ ગેસ અઢી ટકા વધી રૂ. 203 બંધ હતા.

નિફ્ટી ઇન્ડીયા ડીફેન્સ ઇન્ડેક્સ સોમવારે પણ સાડા ત્રણ ટકા વધી 6460 થયો , એના 4 શેરોમાં 5 થી 7 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ ઇન્ડેક્સના ઝેનટેક સવાસાત ટકા વધી રૂ. 1524, એમટાર ટેકનોલોજીસ 7.14%ના ગેઇને રૂ. 1440, હિન્દુસ્તાન એરોનોટીક્સ સાડા છ ટકા વધી રૂ. 4143 અને ભારત ડાયનેમિક્સ 5.17% સુધરી રૂ. 1359 બંધ હતા. આ ઇન્ડેક્સનો ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ નજીવા ગેઇને રૂ. 1705 બંધ હતો. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સે જર્મન કંપની સાથે બે વધુ મલ્ટી પરપઝ જહાજો માટે કરાર કર્યો છે. દરેક એમપીવી 120 મીટર લાંબુ અને 17 મીટર પહોળું હશે. 6.75 મીટરના મહત્તમ ડ્રાફ્ટ વાળા આ જહાજ 7,500 ટન કાર્ગો વહન કરી શકશે. ડિફેન્સ પીએસયુ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (જીઆરએસઇ) એ સોમવારે જણાવ્યું હતું કે તેણે જર્મની સ્થિત કાર્સ્ટન રેહડર શિફ્સમેકલર અને રીડેરી જીએમબીએચ સાથે સાતમા અને આઠમા 7,500 ડીડબલ્યુટી એમપીવીના નિર્માણ અને ડિલિવરી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીનો કુલ ઓર્ડર આઠ જહાજો પર પહોંચી ગયો છે. કુલ કરાર મૂલ્ય આશરે 108 મિલિયન ડૉલર જેટલો છે. દરેક જહાજમાં બલ્ક, જનરલ અને પ્રોજેક્ટ કાર્ગોને સમાવવા માટે એક જ કાર્ગો હોલ્ડ હશે, અને કન્ટેનર હેચ કવર પર લઈ જવામાં આવશે. આ જહાજો ખાસ કરીને ડેક પર બહુવિધ મોટા પવનચક્કી બ્લેડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સેબીની બોર્ડ મીટીંગમાં આ મહત્વના નિર્ણયોઃ સોશ્યલ મિડીયામાં ઇન્ટરમિડીઅરીઝની જાહેરાતો

સેબીની સોમવારે મળેલી મીટીંગમાં કેટલાક મહત્વના નિર્ણયો લોવાયા હતા. ડિજીટલ પ્લેટફોર્મ પર થતાં ફ્રોડને અટકાવવા નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. શેરબજારના કોઇપણ ઇન્ટમિડીઅરીએ સોશ્યલ મિડિયા પર જાહેરાત કરતાં પહેલા પોતાની આઇડેન્ટીટીને વેરીફાય કરવી પડશે. એટલું જ નહીં સાથે તેમના સેબી પોર્ટલ પર મુકાયેલા કોન્ટેક્ટ નંબર્સ અને ઇમેલ આઇડી પણ આપવા પડશે. આ નિયમો અનુસાર સેબી પોર્ટલ પર વિગતો મુકવા માટે સેબીએ 30મી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. પાલન નહીં કરનારને તે પછી સોશ્યલ મિડીયામાં જાહેરાત કરતાં અટકાવાશે.

સેબીના બોર્ડ મેમ્બર્સ-અધિકારીઓનાં ડિસક્લોઝર માટે કમિટી

સેબીએ પોતાના બોર્ડ મેમ્બર્સ અને અધિકારીઓ માટે ડિસક્લોઝર ધોરણો અને હિતોના ટકરાવની સમીક્ષા કરવા એક ઊચ્ચ કક્ષાની કમિટીનું ગઠન કરી એ અહેવાલ 3 માસમાં આપશે એવી જાહેરાત પણ કરી છે.

કેટેગરી ટૂમાં આવતા ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને એ રેટીંગથી નીચેના લીસ્ટેડ ડેબ્ટમાં રોકાણની છૂટ   

ઉપરાંત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ બોર્ડ મીટીંગ બાદ જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “એ અથવા તેનાથી નીચું રેટિંગ ધરાવતી લિસ્ટેડ ડેબ્ટ સિક્યોરિટીઝમાં કેટેગરી ટૂ એઆઇએફને છૂટ આપી આવા રોકાણોને અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ સમાન ગણવામાં આવશે જેથી તેઓ અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં લઘુત્તમ રોકાણ શરતોનું પાલન કરી શકે.” લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ (એલઓડીઆર) નિયમોમાં ફેરફાર બાદ ઉપલબ્ધ અનલિસ્ટેડ સિક્યોરિટીઝના પ્રમાણમાં ઘટાડાનો ઉકેલ લાવવા માટે 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ જારી કરાયેલા કન્સલ્ટેશન પેપર દ્વારા આ ફેરફારનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. એઆઇએફ ની આ શ્રેણી મુખ્યત્વે અનલિસ્ટેડ સિક્યોરિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. તેમને તેમના ભંડોળના 50% થી વધુ અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની જરૂર હોય છે. પરંતુ એલઓડીઆરમાં સુધારા સાથે, અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝનું માર્કેટ સાંકડુ થયું તેથી  હવે આ ફેરફાર કરાયો છે.

માર્કેટ કેપીટલાઇઝેશનમાં રૂ. 5 લાખ કરોડનો વધારો

એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 415.65(410.79) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 418.29(413.31લાખ કરોડ થતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો વધારો થયો હતો.

FII, ડીઆઇઆઇની નેટ લેવાલ

શુક્રવારે એફઆઇઆઇની રૂ. 3055 કરોડની અને ડીઆઇઆઇની નેટ  રૂ. 98 કરોડની લેવાલી રહેતાં કેશ સેગ્મન્ટમાં એકંદરે રૂ. 3153 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)