SBI લાઇફ ઇન્શ્યોરન્સે જનજાગૃતિ અભિયાન માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવ્યા
અમદાવાદ, 28 ઓગસ્ટઃ SBI લાઇફ ઇન્શ્યોરન્સ અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે મળીને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરે છે, જે વ્યક્તિના જીવનમાં રક્ષણના મહત્વને ઉજાગર કરે છે. આ જાગૃતિ અભિયાનનો હેતુ મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ વધારીને ‘સુરક્ષા’ને પ્રાથમિકતા આપવા શહેરની મોટી સંખ્યામાં વસ્તીને સંવેદનશીલ બનાવવાનો છે. આ ઉપરાંત , વાહનની પાછળ બેસનાર સવારની સલામતીની ખાતરી કરવાનો હેતુ છે, ખાસ કરીને સૌથી વધુ અવગણવામાં આવતા નિર્દોષ બાળક મુસાફરને. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ (નવરંગપુરા) ખાતે યોજાયેલી જનજાગૃતિ અભિયાનની શરૂઆત SBI લાઈફ ઈન્શ્યોરન્સના પ્રેસિડેન્ટ એમ. આનંદ તથા એન. એન. ચૌધરી, અધિક પોલીસ કમિશનર- ટ્રાફિક, અમદાવાદ શહેર અને બળદેવસિંહ વાઘેલા, ડીસીપી ટ્રાફિક એડમિનિસ્ટ્રેશન, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે અમિત કુમાર સાહા, રિજનલ ડિરેક્ટર-અમદાવાદ રિજન, SBI લાઈફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 82,000 અકસ્માતો થયા છે, જેના પરિણામે 36,000 લોકોના મોત થયા છે. રોડ સેફ્ટી કાઉન્સિલના જણાવ્યા મુજબ, અમદાવાદમાં સેફ્ટી ગિયર્સના અભાવે અકસ્માતોમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 2,400 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. આ પૈકી 73% લોકો 18-45ની વયજૂથના છે, જેઓ પરિવારનું ગુજરાન ચલાવનાર મુખ્ય લોકો છે.