સેન્સેક્સ 900 પોઈન્ટ બાઉન્સબેક, નિફ્ટી 17500ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ
અમદાવાદ, 3 માર્ચઃ સતત પોઝિટિવ સમાચારો વચ્ચે અદાણી જૂથની તમામ સ્ક્રીપ્સમાં સતત ચોથા દિવસે પણ સંગીન સુધારાની ચાલ રહી હતી. વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 12000+ કરોડની ખરીદીના ટેકે સેન્સેક્સ શુક્રવારે 900 પોઇન્ટ બાઉન્સબેક થવા સાથે 59,808.97ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ 1 મહિના બાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં બીજી વખત 900 પોઈન્ટ વધ્યો હતો. BSE સેન્સેક્સ 899.62 પોઈન્ટ (1.53 ટકા)ના વધારા સાથે જે અગાઉ 3 ફેબ્રુઆરી,2023ના રોજ 909 પોઈન્ટ વધ્યો હતો. NSE નિફ્ટી 272.45 પોઈન્ટ સુધરી 17,594.35ના સ્તરે બંધ થયો હતો.
અદાણી જૂથના શેર્સમાં સુધારાની આગેકૂચ
સતત ચોથા દિવસે અદાણી ગ્રૂપના 10 શેરોમાં તેજી જોવા મળી હતી. જેમાં 6માં આજે ફરી અપર સર્કિટ વાગી હતી.
COMPANY | CLOSE | +/-% |
ADANI ENT | 1879.35 | 16.97 |
ADANI PORT | 684.35 | 9.81 |
ADANI POWER | 169.45 | 4.99 |
ADANI TRANS | 743.75 | 5.00 |
ADANI GREEN | 562.00 | 5.00 |
ADANI TOTAL | 781.85 | 5.00 |
ADANI WILMAR | 418.30 | 4.99 |
ACC | 1894.05 | 5.11 |
AMBUJA CEM. | 392.00 | 5.70 |
NDTV | 220.10 | 4.98 |
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવઃ સેન્સેક્સ પેકની 26 સ્ક્રીપ્સમાં સુધારો
સેન્સેક્સ પેકની 30 પૈકી 26માં સુધારો અને 4માં ઘટાડો નોંધાયો હતો. એસબીઆઈ સૌથી વધુ 5.11 ટકા, એરટેલ 3.3 ટકા, રિલાયન્સ 2.46 ટકા, અને આઈટીસી 2.42 ટકા વધ્યો હતો. બીએસઇ ખાતે કુલ 3629 ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી 2182માં સુધારો અને 1333માં ઘટાડો નોંધાયો હતો. 64 સ્ટોક્સ વર્ષની ટોચે અને 104 વર્ષના તળિયે પહોંચ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ રહેવાની સાથે સાવચેતીનું વલણ રાખવા સંકેત આપે છે.
મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ
શેરબજારમાં લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસે ગ્રીન ઝોનમાં બંધ આપ્યું હતું. જેમાં આજે આકર્ષણનું કેન્દ્ર બેન્કિંગ શેરો રહ્યા હતા. બેન્કેક્સ 2.13 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 1.76 ટકા વધ્યો હતો. અન્ય સેક્ટોરલમાં એફએમસીજી, એનર્જી, મેટલ, પાવર, રિયાલ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 ટકાથી 1.60 ટકા સુધી સુધર્યા હતા.
સ્ટોક માર્કેટમાં સુધારા પાછળના 5 મુખ્ય કારણો
1. ફેડ રિઝર્વની વ્યાજવધારાની ગતિ ધીમી પડવાનો આશાવાદઃ એટલાન્ટા ફેડ રિઝર્વના પ્રમુખ Raphael Bosticએ નિવેદન આપ્યું છે કે, આગામી સમયમાં ફેડ 0.25 ટકાનો વધારો વ્યાજદરમાં કરશે. જેને ધ્યાનમાં લેતાં રોકાણકારોને અપેક્ષા છે કે, આગામી સમયમાં વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી રહેશે.
2. વૈશ્વિક બજારોમાં સુધારાની ચાલઃ વોલ સ્ટ્રીટ ખાતે ઉછાળો નોંધાયા બાદ એશિયન અને યુરોપિયન બજારોમાં પણ સુધારાની ચાલના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો નોંધાયો હતો.
3. એફઆઈઆઈની ખરીદીઃ ગુરુવારે એફઆઈઆઈએ 12 હજાર કરોડની ખરીદી નોંધાવી હતી. આજે પણ અદાણી સહિત અન્ય પસંદગીના સ્ટોક્સમાં એફઆઈઆઈ દ્વારા ખરીદીનું પ્રમાણ વધ્યું છે.
4. અદાણી ગ્રૂપમાં તેજીઃ અદાણી ગ્રૂપના એક પછી એક સારા સમાચાર આવતાં જૂથની 6 સ્ક્રીપ્સમાં અપર સર્કિટ વાગી હતી.
5. બેન્કિંગ સ્ટોક્સમાં ઉછાળોઃ બેન્કિંગ શેરોમાં મોટાપાયે ઉછાળો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 2 ટકાથી વધુ સુધર્યો હતો.