અમદાવાદ, 31 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વપરાતા કોમ્પોનન્ટ્સ પર લાગૂ આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 10 ટકા કરી છે. આ કોમ્પોનન્ટ્સમાં બેટરી એન્ક્લોઝર, પ્રાઈમરી લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલના મિશ્રણમાંથી બનેલા વિવિધ મિકેનિકલ કોમ્પોનન્ટ્સ, સિમ સોકેટ સમાવિષ્ટ છે. તાજેતરના ઘટાડાથી મેન્યુફેક્ચરિંગ તેમજ નિકાસના સંદર્ભમાં સેક્ટરને ફાયદો થવાની અપેક્ષા છે.

પ્રીમિયમ સ્માર્ટફોનના ઉત્પાદનમાં વપરાતા મહત્વના કોમ્પોનન્ટસ માટે આયાત ડ્યુટી ઘટાડવા પર લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હોવાના અહેવાલો થોડા સમય પહેલાં જ આવ્યા હતા. આ પગલાંથી એપલ જેવી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળી શકે છે. તેમજ દેશમાંથી નિકાસો પણ વધવાનો આશાવાદ છે. અંદાજિત 12 કોમ્પોનન્ટ્સ પર આયાત ડ્યુટી ઘટાડવામાં આવી છે. જે સ્માર્ટફોનના ઉત્પાદનમાં અત્યંત જરૂરી છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં ભારતીય સ્માર્ટફોન માર્કેટ પાડોશી દેશો ચીન અને વિયેતનામને આકરી સ્પર્ધા આપી શકશે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ તાજેતરમાં 22 જાન્યુઆરીના રોજ સરકારને અરજી કરી હતી કે સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ પરની આયાત જકાતમાં ઘટાડો ન કરે કારણ કે વર્તમાન ટેરિફ માળખામાં કોઈપણ ફેરફાર સ્થાનિક ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે. થિંક ટેન્કે ઉમેર્યું હતું કે વર્તમાન દરો જાળવી રાખવાથી ભારતના વધતા સ્માર્ટફોન માર્કેટમાં ઉદ્યોગના વિકાસ અને લાંબા ગાળાના વિકાસને સંતુલિત કરવામાં મદદ મળશે.

થિંક ટેન્કે જણાવ્યું હતું કે ભારતીય ઉત્પાદકોએ ભારતમાં વેચાતા સ્માર્ટફોન પર ડ્યુટી ચુકવવી જોઈએ, પરંતુ નિકાસને આવી ડ્યુટીમાંથી મુક્તિ આપવી જોઈએ. જો કે, ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)એ હેન્ડસેટના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા, નિકાસને વેગ આપવા અને સ્વદેશી ઉત્પાદનને ટેકો આપવા માટે મોબાઈલ ફોનના કોમ્પોનન્ટ્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા અપીલ કરી હતી.

2023-24ના બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં અપસ્કેલ મોબાઈલ ફોનના ઉત્પાદનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે મોબાઈલ કેમેરા ફોનના ચોક્કસ કોમ્પોનન્ટ્સ પરની 2.5 ટકા કસ્ટમ ડ્યુટી દૂર કરી હતી.

ભારતીય સ્માર્ટફોનની નિકાસ 2022માં $7.2 અબજથી વધી 2023માં $13.9 અબજ થઈ છે. આ ક્ષેત્ર ફ્લેગશિપ PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમ માટે પણ ટોચના પર્ફોર્મર્સમાંનું એક છે અને ભારતમાં વેચાતા 98 ટકાથી વધુ સ્માર્ટફોન સ્થાનિક રીતે બનાવવામાં આવે છે, GTRI અહેવાલ ઉમેર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ FY25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે.