અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇને કંપનીએ રૂ. 5.829/kWh ના ટેરિફ પર આ LoA પ્રાપ્ત કર્યો છે.

કંપની મધ્યપ્રદેશમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓઉન અને ઓપરેટ (DBFOO) મોડેલ પર 2×800 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે અને MPPMCL ને સંપૂર્ણ ક્ષમતા પુરી પાડશે. કોલસા મંત્રાલયની શક્તિ નીતિ હેઠળ MPPMCL દ્વારા પાવર પ્લાન્ટ માટે જરૂરી કોલસાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ PPA ના અમલીકરણની તારીખથી 72 મહિનાની અંદર કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 22,000 કરોડનું રોકાણ સામેલ છે અને તે પાવર ક્ષેત્રમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા કરાયેલું સૌથી મોટું રોકાણ હશે.

ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું કે, “ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી રહેલા આ રોકાણથી વર્ષ 2032 સુધીમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક – 80 ગીગાવોટ વધારાની કોલસા આધારિત ક્ષમતાને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ દ્વારા દેશના આર્થિક વિકાસને ટેકો આપશે અને ગ્રીડને સ્થિર કરવા માટે ખૂબ જ જરૂરી બેઝ લોડ ક્ષમતામાં વધારો કરશે.”

આ પ્રોજેક્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન લગભગ ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. તેમજ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ તેના સંચાલન તબક્કા દરમિયાન ૧,૫૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા છે.

ટોરેન્ટ પાવર પાસે કુલ લોક-ઇન જનરેશન અને પંપ સ્ટોરેજ ક્ષમતા અનુક્રમે ~9.6 GWp અને 3 GW થશે; જેમાં સ્થાપિત જનરેશન ક્ષમતા 4.9 GWp અને નવીનીકરણીય પ્રોજેક્ટ્સની ~3.1 GWp, થર્મલ ક્ષમતા 1.6 GW અને પંપ્ડ સ્ટોરેજ ક્ષમતા 3 GW ની અવિકસિત ક્ષમતાનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)