વેદાંતાના ડિમર્જરને SBI સહિત મોટાભાગના ક્રેડિટર્સ તરફથી મંજૂરી મળી
મુંબઇ, 10 જૂનઃ માઇનિંગ ક્ષેત્રે અગ્રણી વેદાંતા લિમિટેડે તેના મોટાભાગના ક્રેડિટર્સ તરફથી સૂચિત ડિમર્જર માટેની મંજૂરીઓ મેળવી લીધી છે જે કંપનીની છ સ્વતંત્ર લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજનામાં એક મહત્વનું પગલું છે એમ તાજેતરની બોન્ડહોલ્ડર કોન્ફરન્સ કોલમાં વેદાંતાના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
કેટલીક મંજૂરીઓ તેમની કમિટિ મીટિંગ માટે પેન્ડિંગ છે જ્યારે બાકીની તેમની બોર્ડ મીટિંગ માટે પેન્ડિંગ છે. અમે 52 ટકા મંજૂરીઓ મેળવી લીધી છે. બાકીની મંજૂરીઓ એકાદ સપ્તાહ અથવા 10 દિવસમાં મળી જશે. અને ત્યારબાદ અમે એનસીએલટીમાં અરજી દાખલ કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પહેલેથી જ તેની મંજૂરી આપી દીધી હતી એમ આ ગતિવિધિ સાથે સંકળાયેલા એક બેન્કરે જણાવ્યું હતું. આના પગલે 20 અબજ ડોલરના ડિમર્જર માટેનો માર્ગ મોકળો થયો છે. 31 માર્ચના રોજ કંપનીનું ચોખ્ખું દેવું ડિસેમ્બર 2023ની સરખામણીએ રૂ. 6,155 કરોડ ઘટ્યું છે અને રૂ. 56,388 કરોડે પહોંચ્યુ છે. કામગીરીમાંથી મજબૂત રોકડ પ્રવાહ તથા કાર્યશીલ મૂડી મળવાના લીધે આ શક્ય બન્યું છે.
ઇકરાએ 30 મેના રોજ વેદાંતાના રૂ. 2,500 કરોડના કોમર્શિયલ પેપરને A1+ રેટિંગ આપ્યું હતું. તેણે કંપનીને મે મહિનાના પ્રારંભમાં ICRA AA-નું લાંબા ગાળાનું રેટિંગ અને ICRA A1+નું ટૂંકા ગાળાનું રેટિંગ આપ્યું હતું. આ જ પ્રકારે ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે વેદાંતાને અનુક્રમે AA- અને A+ ના લાંબા ગાળાના રેટિંગ્સ અને A1+ અને A1 ના ટૂંકા ગાળાના રેટિંગ્સ આપ્યા છે.
વેદાંતાના ધિરાણકર્તાઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર જેવા સરકારી માલિકીના ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. ખાનગી ક્ષેત્રની બેંકો જેમ કે યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને કોટક મહિન્દ્રા બેંક પણ વેદાંતાના ધિરાણકર્તાઓના કન્સોર્ટિયમનો ભાગ છે.
ડિમર્જર એલ્યુમિનિયમ, ઓઈલ અને ગેસ, પાવર, સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ અને બેઝ મેટલ્સ વ્યવસાયોની સ્વતંત્ર કંપનીઓ બનાવશે, જ્યારે હાલના ઝિંક અને નવા ઇન્ક્યુબેટેડ વ્યવસાયો વેદાંતા લિમિટેડ હેઠળ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)