અમદાવાદ, 4 ઓક્ટોબરઃ  વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II plc એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના 500 મિલિયન ડોલરના બોન્ડ ઈશ્યૂ માટે 1.6 અબજ ડોલરથી વધુ બિડ ભરાયા છે. જે ઈશ્યૂ સાઈઝ કરતાં ત્રણગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે.

કંપનીએ જણાવ્યું કે, “બોન્ડનો ફાઈનલ ઓર્ડર 1.6 અબજ ડોલરનો રહ્યો હતો. જે APAC, EMEA અને અમેરિકામાંથી નવા અને વર્તમાન રોકાણકારો દ્વારા 3 ગણાથી વધુ ઓવરસબસ્ક્રિપ્શન દર્શાવે છે. આ બિડમાં 97 ટકા ભાગીદારી એસેટ મેનેજર્સ-ફંડ મેનેજર્સની રહી હતી. જે વેદાંતાની વિકાસ વાર્તા પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસનો પુરાવો આપે છે. બોન્ડ્સની અંતિમ ફાળવણી વેદાંતાને મળેલા વ્યાપક સમર્થનને પ્રતિબિંબિત કરે છે, જેમાં એશિયામાંથી 47%, EMEAમાંથી 24% અને યુએસમાંથી 29%નો સમાવેશ થાય છે.”

કંપની ચોખ્ખી આવકનો ઉપયોગ હાલના દેવા (વ્યાજ સહિત) ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. આ ઓફર સાથે, વેદાંતાએ છેલ્લા 14 મહિનામાં આંતરરાષ્ટ્રીય બોન્ડ બજારોમાંથી 3.6  અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું છે, જે સ્પ્રેડ-આઉટ ડેટ મેચ્યોરિટી પ્રોફાઇલ સુનિશ્ચિત કરે છે.

વેદાંતા રિસોર્સિસ અને તેની પેટાકંપની વેદાંતા લિમિટેડ તેના વૈવિધ્યસભર બિઝનેસમાંથી સ્થિર રોકડ પ્રવાહ ઉત્પન્ન કરી રહી છે અને કોમોડિટીઝમાં પણ કોસ્ટ લીડરશીપનો લાભ પણ મેળવી રહી છે. વેદાંતા રિસોર્સિસે નાણાકીય વર્ષ 2025માં મજબૂત નાણાકીય પ્રદર્શન કર્યું હતું, આવક 18.2 અબજ ડોલર સાથે વાર્ષિક ધોરણે 6.4 ટકા વધી હતી. કંપનીની EBITDA 5.5 અબજ ડોલર અને EBITDA માર્જિન 29.9 ટકા નોંધાયા હતાં. મૂડીખર્ચ પછીનો મફત રોકડ પ્રવાહ 1 અબજ ડોલર રહ્યો હતો.

15 ઓક્ટોબરના રોજ બંધ થનારા આ બોન્ડ ઈશ્યૂના સંયુક્ત વૈશ્વિક સંકલનકારો (જોઈન્ટ ગ્લોબલ કોઓર્ડિનેટર્સ) અને મેનેજર્સ તરીકે સિટીગ્રૂપ, બાર્કલેઝ, જે.પી. મોર્ગન, માશરેક, એસએમબીસી નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક કામકાજ કરી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)