જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%
નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો.
સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓ અનુસાર, નવેમ્બર 2022માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, મૂળભૂત ધાતુઓ, કાપડ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો અને કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ભારતનો રિટેલ ફુગાવો પણ નવેમ્બરમાં આરબીઆઈ લક્ષ્યાંકની અંદર 5.88 ટકા નોંધાયો હતો. જે અગાઉ ઓક્ટોબરમાં 6.77 ટકા હતો.
દેશની રિટેલ મોંઘવારી 11 મહિનાની નીચી સપાટીએ છે અને તે 6 ટકાથી નીચે આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં છે. આરબીઆઈએ ઘરેલું રિટેલ ફુગાવાને અંકુશમાં લેવા મે મહિનાથી પોલિસી રેટમાં 225 બેઝિસ પોઈન્ટનો વધારો કરી ચૂકી છે. આગામી સમયમાં આરબીઆઈ પોલિસી રેટમાં વધારા માટે કોઈ આક્રમક પગલું નહીં લે તેવી શક્યતા વધી છે.
જો CPI-આધારિત ફુગાવો સળંગ ત્રણ ક્વાર્ટરમાં 2-6 ટકાની રેન્જની બહાર હોય તો RBI ભાવ વધારાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું માનવામાં આવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની આઉટ-ઓફ-ટર્ન મીટિંગ નવેમ્બરની શરૂઆતમાં યોજવામાં આવી હતી અને ફુગાવાના આદેશને જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવનાર અહેવાલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો.