મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે.

અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 0.25 ટકા હિસ્સા માટે ₹2,069.5 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. રિલાયન્સ રિટેલ કરિયાણા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને જીવનશૈલી અને ફાર્મા બાસ્કેટમાં 18,500થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના સંકલિત ઓમ્ની-ચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન ગ્રાહકોને સેવા આપતી દેશની ટોચની રિટેલર છે.

આ ફંડની રાઉન્ડ વેલ્યુ સાથે રિલાયન્સ રિટેલની કુલ વેલ્યૂ ₹8.38 લાખ કરોડ થશે, જે તેને ઈક્વિટી મૂલ્ય દ્વારા ભારતની ટોચની ચાર કંપનીઓમાંની એક બનાવશે. RRVL એ આ નાણાકીય વર્ષમાં ₹15,300 કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ ફંડનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણ, દેવાની ચુકવણી અને RRVLના IPO  માટેની તૈયારીમાં મદદ કરશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે ADIAના સતત સમર્થન સાથે, અમે તેમની સાથેના અમારા સંબંધોને ગાઢ બનાવીએ છીએ. વૈશ્વિક સ્તરે મૂલ્ય નિર્માણના દાયકાઓથી વધુના તેમના અનુભવથી અમને અમારા વિઝનના અમલીકરણમાં અને ભારતીય રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં વધુ ફાયદો થશે. રિલાયન્સ રિટેલમાં ADIAનું રોકાણ એ ભારતીય અર્થતંત્ર અને અમારા વ્યવસાયની મૂળભૂત બાબતો, વ્યૂહરચના અને અમલીકરણ ક્ષમતાઓમાં તેમના આત્મવિશ્વાસનું વધુ પ્રમાણ છે.

ADIAના પ્રાઈવેટ ઈક્વિટી વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હમદ શાહવાન અલધહેરીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે અભૂતપૂર્વ ગતિએ વિકાસ પામી રહેલા બજારમાં મજબૂત વૃદ્ધિ અને અનુકૂલન ક્ષમતા દર્શાવી છે. આ રોકાણ અમારી પોર્ટફોલિયો કંપનીઓને ટેકો આપવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે જે તેમના સંબંધિત અંતિમ બજારોમાં પરિવર્તન લાવી રહી છે. અમે રિલાયન્સ ગ્રૂપ સાથે ભાગીદારી કરીને અને ભારતના ગતિશીલ અને ઝડપથી વિકસતા ઉપભોક્તા ક્ષેત્ર સાથેના અમારા સંપર્કમાં વધારો કરીને ખુશ છીએ.”