Adani Groupને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 અબજ લોન મળી
નવી દિલ્હીઃ ગૌતમ અદાણી ગ્રૂપ સોવરિન ફંડમાંથી $3 અબજની લોન એકત્ર કરવામાં સફળ થયું છે. અગાઉ એવા અહેવાલો હતા કે બેન્કો ગૌતમ અદાણીને $80 કરોડની લોન આપવા સંમત થઈ છે. ગૌતમ અદાણી આ લોનનો ઉપયોગ અદાણી ગ્રીન એનર્જીના $75 કરોડ બોન્ડની રકમ ચૂકવવા માટે કરી શકે છે. અદાણી ગ્રીન એનર્જીનું આ બોન્ડ સપ્ટેમ્બર 2024માં મેચ્યોર થવાનું છે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે, સોવરિન વેલ્થ ફંડની ક્રેડિટ લાઈન 5 અબજ ડોલર સુધી વધી શકે છે. અદાણી જૂથ દ્વારા હાથ ધરવામાં આવેલા ત્રિદિવસીય રોડ શોના ભાગરૂપે આ ફંડ મેળવવામાં સફળતા મળી છે. હાલ, સોવરિન વેલ્થ ફંડની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. ગ્રૂપ આ વર્ષે માર્ચના અંત સુધીમાં 69થી 79 કરોડ ડોલરની લોન ચૂકવવાની યોજના ધરાવે છે. એસબીઆઈએ પણ અદાણી એન્ટરપ્રાઈઝિસની વાર્ષિક સમીક્ષા કર્યા બાદ તેની લોન ફાળવણી માટેની મર્યાદા અર્થાત ક્રેડિટ લિમિટ જાળવી રાખવા નિર્ણય જાહેર કર્યો હતો. છેલ્લા બે દિવસથી અદાણી ગ્રૂપ માટે રાહતના સમાચાર મળ્યા બાદથી શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપનીઓના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.