અદાણીએ 8 ટગનો રુ.450 કરોડનો ઓર્ડર કોચીન શિપયાર્ડને આપ્યો

અમદાવાદ, 29 ડિસેમ્બર: સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ કોચીન શિપયાર્ડ લિ.ને આઠ હાર્બર ટગ્સનો રૂ. 450 કરોડનો ઓર્ડર આપ્યો છે. ભારતીય બંદરોમાં જહાજોની આવન જાવન કામગીરીની કાર્યક્ષમતા અને સલામતીમાં નોંધપાત્ર સુધારો કરવા સક્ષમ અંદાજે રુ.450 કરોડની કુલ કરાર કિંમતની આ ટગ્સની ડિલિવરી ડિસેમ્બર 2026માં શરૂ થશે અને મે 2028 સુધી ચાલુ રહેશે તેવી ધારણા છે.
અદાણી પોર્ટ્સ એન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે APSEZ એ અગાઉ ઓશન સ્પાર્કલ લિ. માટે કોચીન શિપયાર્ડ લિ.ને 62-ટનના બે બોલાર્ડ પુલ એએસડી (એઝિમુથિંગ સ્ટર્ન ડ્રાઇવ) ટગના બાંધકામનો કરાર કર્યો હતો, આ બંને સમય પહેલાં ડિલીવર કરવામાં આવ્યા હતા અને તેને પારાદીપ પોર્ટ અને ન્યૂ મેંગલોર પોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. વધારાના ત્રણ ASD ટગનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે, જે સાથે ટગના ઓર્ડરનો આંક કુલ 13 થયો છે જેનો ઉદ્દેશ્ય બંદર ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય સેવાઓ માટે આધુનિક કાફલો પ્રદાન કરવાનો છે.