બિગબ્લોક કન્સ્ટ્રક્શને 1:1 બોનસ શેરની જાહેરાત કરી
સુરત, 22 જુલાઈઃ ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીના એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 19 જુલાઈ, 2024ના રોજ મળેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં બોનસ ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે. બોર્ડે સભ્યો અને નિયમનકારી મંજૂરીને આધીન, કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ (અધિકૃત શેર મૂડી) વધારીને રૂ. 30 કરોડમાં એટલે કે પ્રત્યેક રૂ. 2ના 15 કરોડ ઇક્વિટી શેરમાં વહેંચવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.
શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 2ના દરેક વર્તમાન ઇક્વિટી શેર માટે રૂ. 2નો એક બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે. બોનસ ઇશ્યૂ માટે રૂ. 28.31 કરોડના ફ્રી રિઝર્વનો ઉપયોગ કરવામાં આવશે. બોનસ ઇશ્યૂનો હેતુ હાલના શેરધારકોને વળતર આપવા, તરલતા વધારવા અને શેરધારકોના આધારને વિસ્તારવાનો છે. બોનસ ઇશ્યૂ પછી કંપનીની પેઇડ-અપ શેર કેપિટલ વધીને રૂ. 28.31 કરોડ થશે અને પ્રત્યેક રૂ. 2ના 14,15,75,750 ઇક્વિટી શેરમાં વિભાજિત થશે. સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાને આધીન, બોનસ શેર બોર્ડની મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર 18, 2024ના રોજ અથવા તે પહેલાં જમા કરવામાં આવશે.
બોર્ડે નાણાંકીય વર્ષ 2023-24 માટે 20 ટકા એટલે કે રૂ. 0.40 પ્રતિ ઈક્વિટી શેરના દરે અંતિમ ડિવિડન્ડની જાહેરાતને પણ મંજૂરી આપી છે. અંતિમ ડિવિડન્ડની ચૂકવણીના હેતુ માટેની રેકોર્ડ તારીખ શુક્રવાર, 26 જુલાઇ, 2024 છે. કંપનીના 60.18 ટકા શેર ધરાવતા પ્રમોટર ગ્રૂપના શેરધારકો કંપનીના આગામી વિસ્તરણને ધ્યાનમાં લઈને તેમનું ડિવિડન્ડ (નાણાંકીય વર્ષ 2023-2024 માટેનું અંતિમ ડિવિડન્ડ) જતું કરી રહ્યા છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, કંપની એએસી બ્લોક ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવવા માટે તૈયાર છે. અમે સતત ગતિની અપેક્ષા રાખીએ છીએ અને આગામી વર્ષોમાં વધુ સિદ્ધિઓની આશા રાખીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)