અમદાવાદ, 25 માર્ચઃ  પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં STARTUPS તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોના હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેવું GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ત્રણ વર્ષના ગાળા બાદ ફિઝિકલ મોડમાં યોજાયેલી GVFLની વાર્ષિક રોકાણકારોની મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સ, સંસ્થાકીય રોકાણકારો, ફંડો અને અન્ય હિતધારકોને રોકાણના વલણો અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરવા એકત્ર કરવામાં આવ્યા હતા.

GVFLના એમડી કમલ બંસલે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમય પડકારજનક છે. નાણાં ઉપલબ્ધ છે, પરંતુ ફંડ્સ STARTUPSમાં રોકાણ કરતાં પહેલાં અનેક બાબતોની ચકાસણી કરશે. સ્ટાર્ટઅપ્સે તેમના આવકના મોડેલો પર પુનઃવિચાર કરવો પડશે, વધુ કરકસરપૂર્ણ વ્યવસાયિક પદ્ધતિઓ અપનાવવી પડશે, ખર્ચમાં ઘટાડો કરવો પડશે અને કટોકટીને પહોંચી વળવા નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

GVFL ટૂંક સમયમાં 10મું ફંડ લોન્ચ કરશે

GVFL ટૂંક સમયમાં તેનું દસમું  ભંડોળ લોન્ચ કરશે. ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે GVFLને આશા છે કે, ત્રણથી પાંચ વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપમાં રૂ.3,000 કરોડથી વધુના રોકાણને ઉત્પ્રેરિત કરશે.

9 સ્ટાર્ટઅપ્સે તેમની ભાવિ યોજનાઓ રજૂ કરી

નવ STARTUPS, જેમાં GVFL એક રોકાણકાર છે, તેમણે તેમના વ્યવસાય, તેમની વૃદ્ધિ અને તેમની ભાવિ યોજનાઓ વિશે પણ રજૂઆતો કરી હતી. STARTUPSમાં ઝીરો કાઉ ફેક્ટરી, વીડિયો એસડીકે, સારથી પેડાગોગી, ઝોઇવાને, પિવોટિંગ, પેટપૂજા, ઓલ ધેટ ડિપ્સ, કાર્માટેક અને એરોન્કનનો સમાવેશ થાય છે.

GVFL ખાતે યોજાયેલાં વાર્ષિક રોકાણકાર સંમેલનમાં આશરે 250થી વધુ સ્ટાર્ટઅપ સંસ્થાપકો, રોકાણકારો, ઈનક્યુબેટર્સ તથા ફંડ્સે રોકાણના પ્રવાહો, STARTUPSમાં રોકાણના ભાવિ સહિતના વિષયો પર મનોમંથન કર્યું

રસના ગ્રુપના સીએમડી પિરુઝ ખંભાતા એ મુખ્ય સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મારા મતે,  ભારત માટે સૌથી મોટી તક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે,  વિશ્વ માટે ભારતમાં ઉત્પાદન કરવું એ મેક ઈન ઈન્ડિયાનો મંત્ર બનવો જોઈએ.

અગ્રણી કોર્પોરેટ્સના સલાહકાર અને STARTUPSને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે કામ કરતા સુનિલ પારેખે જણાવ્યું હતું કે, શું ટેક STARTUPS અને યુનિકોર્ને કોઈ નવી ટેકનોલોજી વિકસાવી છે, કેટલાક પાયાના ટેકનિકલ સંશોધન કર્યા છે? જેનો જવાબ બહુ મોટી ‘ના’ છે. ભારતમાં લગભગ કોઈ પણ યુનિકોર્નને ઇન્ક્યુબેટરમાં ઔપચારિક રીતે ઇન્ક્યુબેટ કરવામાં આવ્યું નથી અને શા માટે સૌથી સફળ સાહસો ઔપચારિક ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમની બહાર છે તે અંગે વિચારણા કરવાની જરૂર છે.