GHCL દ્વારા શિક્ષણલક્ષી CSR થકી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું
અમદાવાદ, 14 ઓગસ્ટ: GHCL એ શિક્ષણલક્ષી સીએસઆર પહેલ દ્વારા સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ પ્રત્યેની તેની લાંબાગાળાની કટિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે, જેણે સમગ્ર ગુજરાતમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને લાભાન્વિત કર્યા છે.
જીએચસીએલના CSR એકમ જીએચસીએલ ફાઉન્ડેશને ગીર સોમનાથ, માંડવી (કચ્છ), રાજુલા (અમરેલી) અને ભાવનગરના જિલ્લાઓમાં પ્રારંભિક શિક્ષણ, શાળા સુધારણા, સ્ટેમ (STEM) શિક્ષણ અને રોજગારી-કેન્દ્રિત વ્યાવસાયિક તાલીમ જેવા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો પર અમલીકરણ કર્યું છે.

વિદ્યા જ્યોત જે આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આ પહેલ અંતર્ગત 3થી 6 વર્ષની વયના 4,050થી વધુ બાળકો સુધી પહોંચીને તેમના જ્ઞાનાત્મક, ગતિશીલતા, ભાષા અને ભાવનાત્મક વિકાસને સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે અને તેની સાથે આંગણવાડી કાર્યકરોને ગુણવત્તાયુક્ત પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટેની તાલીમ પણ આપવામાં આવી છે.
લર્નિંગ એનરિચમેન્ટ પ્રોગ્રામ (LEP) તેને પૂરક છે, જેનો હેતુ પ્રાથમિક અને હાઈ સ્કુલના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશનલ લિટ્રસી એન્ડ ન્યુમેરસી (FLN)ને સુધારવાનો છે. વર્ષ 2017થી 30,400થી વધારે વિદ્યાર્થીઓ એલઈપીથી લાભાન્વિત થયાં છે, જેણે ખાસ કરીને વિદ્યાર્થિનીઓનો ડ્રૉપઆઉટ રેટ ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

માંડવી ના બાડા ગામમાં તેના આગામી ગ્રીન ફીલ્ડ સોડા એશ પ્લાન્ટની સ્થાપનાના ઘણાં સમય પહેલાથી જ જીએચસીએલ ફાઉન્ડેશને સ્થાનિક સમુદાયો માટે શાળા સહાય અને કૌશલ્યવર્ધનના કાર્યક્રમોનો સક્રિયપણે પ્રારંભ કરી દીધો હતો. આ હસ્તક્ષેપોએ 22,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી પહોંચીને આ પ્રદેશના શિક્ષણ અને આજીવિકાની ઇકોસિસ્ટમને સુદ્રઢ બનાવવા માટે પ્રારંભિક બાળ શિક્ષણ, શૈક્ષણિક સહાય અને વ્યાવસાયિક તાલીમનું મિશ્રણ પૂરું પાડ્યું છે. 5,000થી વધુ યુવાનોને તાલીમ આપીને નોકરી અપાવવામાં આવી છે, જેમાં 65 ટકા છોકરીઓ છે. આ બાબત જીએચસીએલની મહિલા સશક્તિકરણ પ્રત્યેની કટિબદ્ધતાને દર્શાવે છે.
સમુદાયના વિકાસના કેન્દ્રમાં પોતાની શિક્ષણલક્ષી સીએસઆર વ્યૂહરચનાને રાખીને જીએચસીએલએ શિક્ષણ, આજીવિકા અને લાંબાગાળાની સ્થિતિસ્થાપકતા માટેના માર્ગોનું નિર્માણ કરીને ગુજરાતના યુવાનોનું સશક્તિકરણ કરવાનું ચાલું રાખ્યું છે, જેનાથી અનેક પેઢીઓ સુધી ટકી રહે તેવા પ્રભાવ માટેનો પાયો નાંખી શકાયો છે.
