અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ઘણી વખત એવું બને છે કે, નેટવર્કની ખામી કે એટીએમ મશીનમાં ખામીના કારણે રોકડ ઉપાડતી વખતે એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા હોય પરંતુ એટીએમમાંથી બહાર આવ્યા ન હોય. આ સ્થિતિમાં બેન્કે ચોક્કસ સમયમાં તેના ખાતેદારોના એકાઉન્ટમાં રકમ જમા કરવાની હોય છે, અને જો આમ ન બને તો બેન્કને વિલંબ બદલ વળતર પણ ચૂકવવુ પડે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, જો બેંક એકાઉન્ટ ડેબિટ હોવા છતાં ATM રોકડ ઉપાડનો વ્યવહાર નિષ્ફળ ગયો હોય, તો બેંકોએ મહત્તમ T+5 દિવસની અંદર આપમેળે કપાત કરેલ નાણાં રિવર્સ કરવા પડશે. પરંતુ જો આ સમયગાળામાં નાણાં જમા ન થાય (ઓટો રિવર્સલ) તો બેન્કે પ્રતિ દિન રૂ. 100 પેટે વળતર ચૂકવવુ પડે છે. આ નિષ્ફળ ATM ટ્રાન્ઝેક્શન માટે વળતર મેળવવા માટે વ્યક્તિએ 30 દિવસની અંદર બેન્કમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

જો પાંચ દિવસમાં રકમ ખાતામાં જમા ન થાય તો શું કરવું?

ખાતેદારએ એટીએમ મશીન નંબર અને ટ્રાન્જેક્શન સ્લીપ સાચવી રાખવી. જેથી વળતર મેળવવામાં સરળતા રહે. આ મામલે ખાતેદાર પોતાની બેન્ક બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે. જો પોતાની બેન્ક આ મામલે ચોક્કસ જવાબ કે વળતર ન ચૂકવે તો ગ્રાહક આરબીઆઈની મદદ લઈ શકે છે. ઓનલાઈન આરબીઆઈનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી શકે છે. આરબીઆઈ ખાતેદારને નિશ્ચિત વળતર અપાવવામાં નિષ્ફળ જાય અથવા ગ્રાહક સંતુષ્ટ ન હોય તો કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદની નકલ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ટ્રાન્જેક્શન સ્લીપ, એટીએમ મશીન નંબર સહિતના પુરાવા સાથે કેસ દાખલ કરી શકે છે.