IPO Trend: ગતવર્ષે આઈપીઓ લિસ્ટિંગ ગેઈન એવરેજ 18 ટકા વધ્યું, 2024ની શરૂઆતમાં 69 હજાર કરોડના આઈપીઓ યોજાશે
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 ટકા એવરેજ લિસ્ટિંગ ગેઈન કરતાં બમણું રિટર્ન આપ્યું છે. જેમાં 2023નો હોટ ફેવરિટ આઈપીઓ તાતા ટેક્નોલોજીસે લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ 162.85 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા હતા. જ્યારે લિસ્ટિંગ બાદથી સતત ગ્રોથ સાથે ઈરેડાનો આઈપીઓ ટોપ પર્ફોર્મર રહ્યો છે.
પ્રાઈમડેટાબેઝના રિપોર્ટ અનુસાર, 2023માં 40 આઈપીઓમાં 10 ટકાથી વધુ રિટર્ન જોવા મળ્યું છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કે લિસ્ટિંગ દરમિયાન 92 ટકા રિટર્ન આપ્યું છે. 57માંથી 53 આઈપીઓ એવરેજ 46 ટકા રિટર્ન સાથે ઈશ્યૂ પ્રાઈસથી વધુ કિંમતે ટ્રેડ થઈ રહ્યા છે.
2024માં કુલ 27 કંપનીઓને અંદાજિત રૂ. 28500 કરોડના આઈપીઓ લોન્ચ કરવા સેબીએ મંજૂરી મળી છે. જ્યારે 36 કંપનીઓના રૂ. 40500 કરોડના આઈપીઓ સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે, 3 NATCs (ન્યૂ એજ ટેક્નોલોજી કંપની) રૂ. 16000 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેમાં ફર્સ્ટ ક્રાય, ઓયો અને ડિજિટ ઈન્સ્યોરન્સ સામેલ છે. પ્રાઈમડેટાબેઝના પ્રવીણ હલદિયાએ લોકસભા ચૂંટણી પહેલાં જ શરૂઆતના માસમાં આઈપીઓની વણઝાર જોવા મળવાનો અંદાજ આપ્યો છે.
87 કંપનીઓએ આઈપીઓ DRHP ફાઈલ કર્યા
2023માં 87 કંપનીઓએ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યા હતા. જે 2022માં 89ની તુલનાએ ઓછા છે. જો કે, 40 કંપનીઓ 70 હજાર કરોડના આઈપીઓ લાવવામાં નિષ્ફળ રહી છે. જ્યારે 3 કંપનીઓએ રૂ. 3550 કરોડના આઈપીઓ ડ્રાફ્ટ પાછો ખેંચ્યો હતો. ગતવર્ષે મંજૂરી મેળવેલ 10800 કરોડના 6 આઈપીઓ 2024ની શરૂઆતમાં યોજાઈ શકે છે.
અપકમિંગ આઈપીઓઃ Jyoti CNC Automation Ltd, Allied Blenders and Distillers Ltd, Jana Small Finance Bank, FinCare MicroFinance, Enviro infra engineers, Medi Assist Healthcare Services, Polymatech Electronics, Apeejay Surrendra Park Hotels, R K Swamy Advertisers, BLS E-Services, Mukka Proteins, E-Pack Durables, Enterro Healthcare, Indegene Ltd, Lohia Corp, Enterro Healthcare, First cry, Ola Electric, Waaree Energies
રિટેલ રોકાણ વધ્યું
આઈપીઓમાં રિટેલ રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. 2022માં રિટેલ રોકાણકારોએ 5.66 લાખની સરખામણીએ 13.21 લાખ બીડ ભર્યા હતા. જે 2023માં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. લગભગ બે દાયકા બાદ યોજાયેલો તાતા ગ્રૂપનો પ્રથમ IPO તાતા ટેક્નોલોજીસ (52.11 લાખ)માં રિટેલ સબ્સ્ક્રિપ્શન સૌથી વધુ નોંધાયું હતું. ત્યારબાદ પેન્સિલ નિર્માતા – DOMS ઈન્ડસ્ટ્રીઝ (41.30 લાખ) અને ક્રાયોજેનિક ટાંકી ઉત્પાદક – INOX ઈન્ડિયા (37.34 લાખ) સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારા આઈપીઓ હતા.