Market monitor: સેન્સેક્સ 899 પોઇન્ટ્સ પ્લસ, વેચાણો કપાતાં સાર્વત્રિક સુધારો
ડીફેન્સ ઇન્ડેક્સમાં ઉછાળો | ભારતી એરટેલમાં 4%ની તેજી | ફેડરલ રિઝર્વે રેટ જાળવ્યો |
અમદાવાદ, 21 માર્ચઃ ગુરૂવારે સેન્સેક્સ વધુ 899 પોઇન્ટ્સ, 1.19%ના દૈનિક સુધારા સાથે 76348ની સપાટીએ અને નિફ્ટી ડેઇલી બેસીસ પર વધુ 283 પોઇન્ટ્સ, 1.24% વધીને 23190ના સ્તરે રહ્યા હતા. બજારની 3જી,4થી માર્ચથી શરૂ થયેલી આ કરેક્ટીવ તેજીના અત્યાર સુધીના 12 ટ્રેડીંગ દિવસોમાં ટાટા મોટર્સથી લઈને રિલાયન્સ સુધીના ફ્રન્ટલાઇન શેરોએ નિફ્ટીની કુલ 1,226 પોઈન્ટ્સ, 5.58%ની તેજીમાં ફાળો આપી 4 માર્ચના લો લેવલથી ઇન્ડેક્સને આ લેવલે તા. 20મી માર્ચે પહોંચાડ્યો છે. આ ઝડપી રિકવરીમાં નિફ્ટીના 50 માંથી 46 પ્રતિનિધિઓએ રોકાણકારોને યથા શક્તિ વળતર આપ્યું છે. 4 માર્ચના રોજ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ 21,964.60 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ લેવલેથી પાંચ સેશનમાં 712 પોઇન્ટ્સ વધી ચાર દિવસ સાઇડવેય્ઝ મુવ દેખાડી 18,19,20 માર્ચની ત્રણ સેશનમાં વધીને 23216.70 સુધી ગયા પછી 23190.65 બંધ રહ્યો છે. હવે એનાલિસ્ટો એ સાતસો પોઇન્ટ્સની ઇનીશીયલ મુવના આધારે 23500-700 આસપાસનો ટારગેટ લઇ આવ્યાં છે.
નિષ્ણાતોના મતે નિફ્ટી માટે 23500-700 આસપાસનો ટારગેટ
રિલાયન્સ ગુરૂવારે 1.69% સુધરી રૂ. 1268 અને આઇસીઆઇસીઆઇ બેન્ક 0.42%ના ગેઇને રૂ. 1318ના સ્તરે બંધ હતા. આ 11 ટ્રેડિંગ સત્રો ટાટા સ્ટીલની વાત કરીએ તો છેલ્લા ૧૧ ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 14%ના પ્રમાણમાં આ શેર વધ્યો છે. ગુરૂવારે અડધો ટકો વધી રૂ. 159ના સ્તરે વિરમેલો આ શેર વિશ્લેષકોના સકારાત્મક અભિપ્રાયના લીધે મજબૂત અંડરટોન દેખાડવાની સંભાવના છે. ભારત ઇલેક્ટ્રોનિક્સે ૨૦૨૫ના નાણાકીય વર્ષ માટે રૂ. 25 હજાર કરોડના ઓર્ડર ઇનફ્લો માર્ગદર્શનને પૂર્ણ કરવા માટે હજુ વધુ રૂ. આઠ હજાર કરોડના ઓર્ડર મેળવવાની જરૂર છે અને એ મેળવીને જ રહેશે એવા આશાવાદે શેરનો ભાવ ગુરૂવારે વધુ સવા બે ટકા વધીને 296 બંધ હતો. 4થી માર્ચથી શેરનો ભાવ 12% વધ્યો છે. સન ફાર્માએ પણ આ અવધિમાં 11.7% અને 1 દિવસમાં સવા ટકાના ગેઇને રૂ. 1754 બંધ આપ્યું છે.
ટાટા મોટર્સે આ સમયગાળા દરમિયાન શેર રૂ. 606ના 52 અઠવાડિયાના નીચલા સ્તરથી રિકવરી મોડમાં આવી 11.4%ના ગેઇને અને દૈનિક 1.70% વધી રૂ. 689 બંધ આપ્યું છે. કંપનીના ચીફ ફાઇનેન્સીયલ ઓફીસરે આ જૂથની કંપની જેએલઆર દ્વારા ચોથા ક્વાર્ટર અને આખા વર્ષ માટે અપાયેલું ગાઇડન્સ પૂર્ણ કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાથી આ રિકવરી શરૂ થઈ છે. અદાણી પોર્ટ્સમાં 4 માર્ચના લેવલેથી 11.3% નો વધારો જોવાયો છે. ગુરૂવારે 0.13 ટકાના નજીવા ગેઇને રૂ. 1175 બોલાતો હતો. પાવર ગ્રીડ અને હિન્દાલ્કો પણ આ સમયગાળા દરમિયાન 10% થી વધુ સુધર્યાં છે. ગુરૂવારે બંન્ને શેરો 0.87% અને 1.07% વધી અનુક્રમે રૂ. 279 અને રૂ. 706ના સ્તરે વિરમ્યા હતા.
એચડીએફસી લાઇફમાં આ બાર દિવસોમાં 9% થી વધુનો ગેઇન થયો છે. ગુરૂવારે શેર 1.14% વધી રૂ. 672ના લેવલે બંધ હતો. આ અવધિ દરમિયાન જોકે ચાર નિફ્ટી શેરોએ નકારાત્મક વળતર આપ્યું તેમાં ઇન્ડસઇન્ડ બેંક ગુરૂવારે 1.11% ઘટી રૂ. 685 જેવો હતો. બાવન સપ્તાહનો લો ભાવ રૂ. 606 12મી માર્ચના રોજ નોંધાયો છે. બેન્કે સામે આવેલી અનેક સમસ્યાઓના પગલે ટોચથી 30%નો ઘટાડો દેખાડ્યો છે. આ શેર હજુ પણ એફએન્ડઓમાં બેન હેઠળ હોવાથી એ સેગ્મન્ટમાં નવા સોદા થતાં નથી. આશ્ચર્યજનક રીતે, અન્ય ત્રણ નબળા પ્રદર્શન કરનારા શેરોમાં IT શેરો ટેક મહિન્દ્ર, ઇન્ફોસિસ અને વિપ્રો નો સમાવેશ થાય છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ કપાત ન કરવાનો નિર્ણય લઇ 2025 માં વધુ બે ઘટાડાનો સંકેત આપ્યો છે. જોકે હવે 75 બેસિસ પોઇન્ટ્સના ઘટાડાનો આશાવાદ છે.
વ્યાજદર મુદ્દે (FOMC)એ થોભો અને રાહ જૂઓનો માર્ગ અપનાવ્યો
ડોલરની થોડી નબળાઇ અને તેના કારણે ફુગાવાનું દબાણ પણ થોડું વધી રહ્યું હોવાથી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) થોભો અને રાહ જૂઓનો માર્ગ અપનાવ્યો છે. સીટી જૂથે પ્રથમ ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્રમાં 0.1% સંકોચનની આગાહી કરી છે. મિશ્ર છૂટક વેચાણ ડેટા અને નબળા ગ્રાહક અને વ્યાવસાયિક વિશ્વાસના આંકડા આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યા હોવાનું આ ગ્રુપ માને છે. ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓની અસર સમજાવી સીટી ગ્રુપ જણાવે છે કે જો ટેરિફ મજબૂત ડોલરને ટેકો આપે તો વ્યાપક વૈશ્વિક અનિશ્ચિતતાઓ આવી અસરનો સામનો કરી શકે છે. જોકે તેથી વિપરિત નબળા ડોલરથી ઉભરતા બજારો રોકાણકારોની સંપત્તિ પર વધુ આકર્ષક વળતર મેળવી ફાયદામાં રહે છે. આ કારણસર જ ગુરૂવારે સેન્સેક્સ નિફ્ટી સુધર્યાં હોવાનું મનાય છે. હવે 2જી એપ્રિલથી અમલમાં આવનાર ટેરિફ અને તેની ડોલર પરની અસર બજાર માટે નિર્ણાયક બની રહેશે. આજે ગુરૂવારે નિફ્ટી વિક્લી ઓપ્શન્સ ની એક્સપાયરીના કારણે વેચાણો કપાતાં આ સુધારો જોવાયો છે.
બેન્ક નિફ્ટી 0.72% સુધરી 50062 પોઇન્ટ
તેજીની આગેકૂચમાં એનએસઇના 124 ઇન્ડેક્સોમાંથી 119 પ્લસમાં બંધ થયા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ વધુ 0.57 ટકા વધી 355 પોઇન્ટ્સના ગેઇન સાથે 62309 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ વધુ 0.11%, 12 પોઇન્ટ્સ સુધરી 11365 બંધ હતા. નાણાકીય ક્ષેત્રના પ્રતિનિધિ બેન્ક નિફ્ટી 0.72% સુધરી 50062 અને ફાઇનેન્શ્યલ સર્વીસીસ 0.70% વધી 24309ના સ્તરે વિરમ્યા હતા. એનએસઇના ઇન્ડેક્સોમાં નિફ્ટી ઇન્ડીયા ડીફેન્સ ઇન્ડેક્સ ગુરૂવારે વધુ પોણા બે ટકા સુધરી 6172, નિફ્ટી કેપીટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ગુરૂવારે વધુ 1.17% સુધરી 3230, નિફ્ટી રિયલ્ટી એક ટકો સુધરી 854 અને નિફ્ટી ઇન્ડીયા ટૂરીઝમ અડધા ટકાના નજીવા ગેઇન સાથે 8570ના સ્તરે બંધ રહ્યા હતા.
માર્કેટ બ્રેડ્થ એડવાન્સિસની તરફેણમાં હતી. બુધવારે બાજી હાથમાં લેનારા મિડ, સ્મોલ, મલ્ટીકેપ્સ આજે ફ્રન્ટલાઇનની સરખામણીએ શાંત હતા. નિફ્ટીના 50માંથી 44 શેરો, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 31 શેરો અને મિડકેપ સિલેક્ટના 25માંથી 16 શેરો સુધર્યા હતાં. નિફ્ટીનો ભારતી એરટેલ ચાર ટકા વધી 1704 બંધ હતો. સોનાના સુધારા સાથે તાલ મિલાવી ટાઇટન સાડા ત્રણ ટકા વધી રૂ. 3183ના સ્તરે વિરમ્યો હતો.
સમાચારોમાં આ શેરો….
ટીસીએસઃ ગુરૂવારે પોણા બે ટકા વધી રૂ. 3556 બંધ હતો. 3.2 બિલીયન પાઉન્ડના એસેટ્સ મેનેજ કરતી અને 2.6 બિલીયન પાઉન્ડનો ધિરાણ પોર્ટફોલિયો ધરાવતી યુનાઇટેડ કિંગડમની ક્યુમ્બરલેન્ડ બિલ્ડીંગ સોસાયટીના કોર બેન્કીંગ સોફ્ટવેરના આધુનિકીકરણનું કામ ટીસીએસ કરશે એવા સમાચારની પ્રોત્સાહક અસર થઇ હતી.
આદિત્ય બિરલા કેપીટલઃ સાડા ત્રણ ટકા વધી રૂ. 176 બંધ હતો. વર્તમાન સ્તરેથી 50 ટકા વધવાના મેક્વેરીના આશાવાદી અહેવાલની અસર હતી.
એનએસઇ ખાતે 35(42) અને બીએસઇમાં 69(81) શેરો બાવન સપ્તાહની નવી ટોચે
એનએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 406.16(402.48) લાખ કરોડ અને બીએસઇ લીસ્ટેડ શેરોનું રૂ. 408.62(405) લાખ કરોડ થતાં ગુરૂવારે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. એનએસઇના 2981(2990) ટ્રેડેડ શેરોમાંથી 1143(568) તથા બીએસઇના 4145(4166) ટ્રેડેડ શેરોમાંથી 1630(1068) માઇનસમાં બંધ થયા તેની સામે એનએસઇના 1759(2345) અને બીએસઇના 2395(2986) શેરો વધીને બંધ રહ્યા હતા. એનએસઇ ખાતે 35(42) અને બીએસઇમાં 69(81) શેરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 59(89) અને 106(154) શેરો 52 વીક લો પર હતા. એનએસઇના 184(244) શેરો ઉપલી સર્કીટે અને 55(43) શેરો નીચલી સર્કીટે પહોંચ્યા હતા.
FII લેવાલ પણ DII વેચવાલ
ગુરૂવારે એફઆઇઆઇની રૂ. 3239 કરોડની નેટ લેવાલી સામે ડીઆઇઆઇની નેટ રૂ. 3136 કરોડની વેચવાલીરહેતાં કેશ સેગ્મન્ટમાં એકંદરે માત્ર રૂ. 103 કરોડની નેટ લેવાલી જોવા મળી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)