આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NDDB મૃદા લિ.એ નાના પશુપાલકો સાથે ભેગા મળીને કામ કરવા, વેસ્ટ ટુ એનર્જીમાં સ્થાયી ઉકેલો પૂરાં પાડવા તથા પશુપાલકો માટે વધારાની આવકનું સર્જન કરવાના નવા માર્ગો ખોલવા ભારતની અગ્રણી બાયોગેસ કંપની સિસ્ટેમા.બાયો સાથે એક કરાર કર્યો છે. NDDB અને NDDB મૃદા લિમિટેડના ચેરમેન મીનેશ શાહ અને સિસ્ટેમા.બાયો ઈન્ડિયાના એમડી પિયુષ સોહાનીએ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી.

ભારતમાં નાના અને મધ્યમ સ્તરના પશુપાલકો માટે આધુનિક ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા, ખાતરના મેનેજમેન્ટ અને બાયોસ્લરીના ઉપયોગ અંગેના જ્ઞાનનો પ્રસાર કરવા તેમજ ડેરી સહકારી મંડળીઓ, ડેરી ફેડરેશનો, દૂધ ઉત્પાદક કંપનીઓ, પશુપાલકોની માલિકીની અન્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંગઠનોની સાથે NDDB મૃદા લિમિટેડ અને સિસ્ટેમા.બાયો ભેગા મળીને કામ કરશે. ઝકરિયાપુરા ખાતે ખાતર વ્યવસ્થાપન મોડલ વિકસાવતી વખતે NDDB અને સિસ્ટેમા. બાયોટેકે સાથે મળી કામ કર્યું હતું. જે હવે ગુજરાતની ગોબરધન યોજનાનો ભાગ છે. આ વર્ષે 25,000થી વધારે પશુપાલકોને બાયોગેસ પ્લાન્ટ પૂરાં પાડવામાં આવશે અને આગામી 2-3 વર્ષમાં 3,00,000 પશુપાલકો સુધી પહોંચવાની યોજના છે. NDDB મૃદા લિ. એન્ટરપ્રાઇઝ મૉડમાં કૃષિ માટેના સ્લરી-આધારિત ઉત્પાદનોના વેચાણ મારફતે પ્રત્યક્ષ રીતે અથવા તો જૈવિક ખાતર તરીકે ઉત્પાદિત થયેલી બાયો-સ્લરીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે. હાલમાં 40,000 પશુપાલકો કચરાંનો સદુપયોગ કરવા માટે સિસ્ટેમા.બાયો દ્વારા વિકસાવવામાં આવેલા બાયોડાઇજેસ્ટરોનો ઉપયોગ કરે છે.

NDDB મૃદા લિ. વિશે

NDDB મૃદા લિ. એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે અને તેનું મુખ્ય કાર્યાલય આણંદમાં આવેલું છે. આ કંપની પશુઓના ખાતરમાંથી ખેડૂતોની આવકને વધારવાના ઉદ્દેશ્યની સાથે કામ કરી રહી છે. ઘરેલુંથી માંડીને ઔદ્યોગિક સ્તરના બાયોગેસ પ્લાન્ટ સોલ્યુશનો પૂરાં પાડે છે અને સ્લરી/ડાઇજેસ્ટેડ મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. NDDB મૃદા લિ.એ એકથી વધુ સ્લરી આધારિત જૈવિક ખાતરો વિકસાવ્યાં છે અને સમગ્ર દેશમાં સુધન બ્રાન્ડ હેઠળ તેનું વેચાણ કરે છે.