Paytmના શેર 5 ટકા અપર સર્કિટ સાથે વધ્યા, વિજય શેખરના રાજીનામા બાદ બ્રોકરેજે રેટિંગ ઘટાડ્યું
અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ દેશની ટોચની ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક બોર્ડમાંથી રાજીનામુ આપ્યું છે. જેના પગલે આજે શેર 5 ટકા અપર સર્કિટ સાથે 449.30ના લેવલે પહોંચ્યો હતો. જો કે, બાદમાં અપર સર્કિટ ખૂલતાં 1.40 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યો હતો.
પેટીએમની પેરન્ટ કંપની One97 Communicationsએ જણાવ્યું હતું કે, વિજય શેકર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કના બોર્ડમાંથી પાર્ટ-ટાઈમ નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન અને બોર્ડ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેમજ તેની નોમિનીમાંથી નામ પણ પાછું ખેંચ્યુ છે. આમ કરવા પાછળનું કારણ બોર્ડની પુનઃરચના કરવાના હેતુ માટે છે.આરબીઆઈએ 15 માર્ચ બાદથી ક્રેડિટ ટ્રાન્જેક્શન અને ડિપોઝીટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ Paytm સ્ટોક પર શેર દીઠ રૂ. 275ના લક્ષ્ય ભાવ સાથે ‘અંડરપર્ફોર્મ’ કોલ આપ્યો છે. આ 26 ફેબ્રુઆરીના રૂ. 478ના બંધ ભાવથી 35 ટકા ડાઉનસાઇડ સૂચવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 31 જાન્યુઆરીએ Paytm પેમેન્ટ્સ બેન્ક પર નિયંત્રણો લાદવામાં આવ્યા ત્યારથી Paytm સ્ટોકમાં 44 ટકાનો ઘટાડો થયો છે.
બ્રોકરેજ અનુસાર, બોર્ડમાંથી રાજીનામું આપવાના આ પગલા દ્વારા શર્મા રેગ્યુલેટરને સંકેત મોકલી રહ્યા છે કે તેઓ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પરનું નિયંત્રણ છોડવા માટે તૈયાર છે. હાલમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો 51 ટકા હિસ્સો તેમની પાસે છે.
“જો Paytm પેમેન્ટ્સ બેન્કને કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવે, તો તે Paytm માટે વધારાની નફાકારકતા પ્રદાન કરશે,” અહેવાલમાં ઉમેર્યું હતું. નાણાકીય વર્ષ 2023 રૂ. 2.44 કરોડનો નફો દર્શાવે છે. જો કે, મેક્વેરી વિશ્લેષકોએ એમ પણ કહ્યું હતું કે તેઓ આરબીઆઈ પાસેથી પેટીએમ અને પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વચ્ચે કોઈપણ સંબંધિત-પાર્ટી ટ્રાન્જેક્શનને અધિકૃત કરવાની અપેક્ષા રાખતા નથી.
Paytm Payments Bank Ltd (PPBL)ના નવા પુનઃરચિત બોર્ડમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલનો સમાવેશ થયો છે.
વધુમાં, બોર્ડમાં પંજાબ એન્ડ સિંધ બેન્કના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અરવિંદ કુમાર જૈન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે અને સુરિન્દર ચાવલાની Paytm પેમેન્ટ્સ બેન્કના MD અને CEO પદે નિમણૂક થઈ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)