અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈસિસે 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 1888.4 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 820 કરોડ સામે 2.3 ગણો ગ્રોથ દર્શાવે છે. કામગીરીમાંથી આવક 6.5 ટકા વધી ગતવર્ષે રૂ. 26612.2 કરોડ સામે રૂ. 28336.4 કરોડ થઈ છે. આકર્ષક પરિણામોના પગલે અદાણી એન્ટરપ્રાઈસિસનો શેર આજે 3236.55ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં 0.35 ટકાના નજીવા સુધારા સાથે 3152.25 પર બંધ રહ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઈસિસ ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમ, એરપોર્ટ્સ અને રોડ સેગમેન્ટમાં બિઝનેસ ધરાવે છે. જે કુલ EBITDAમાં 45 ટકા ફાળો આપે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મજબૂત પરિણામો અંગે જણાવ્યું હતું કે, “ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે સંપૂર્ણ સંકલિત મેન્યુફેક્ચરિંગ ચેઈન સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. આ સંપૂર્ણ સંકલિત અભિગમ અમને અંતિમ ઉત્પાદન અને તેની કિંમત પર શ્રેષ્ઠ નિયંત્રણ પ્રદાન કરીને એન્ડ ટુ એન્ડ આયોજનમાં જબરદસ્ત લાભ પ્રદાન કરશે.”

હાલમાં જ વિદેશી બ્રોકરેજ ફર્મ Cantor Fitzgeraldએ અદાણી એન્ટરપ્રાઈસિસના શેરમાં 50 ટકા વૃદ્ધિની શક્યતાઓ દર્શાવી હતી. એરલાઈન પેસેન્જર ટ્રાફિકમાં 25 ટકા ફાળો આપતાં આઠ એરપોર્ટ્સની માલિકી અદાણી ગ્રુપ ધરાવે છે. જે તેના બિઝનેસ ગ્રોથમાં મહત્તમ યોગદાન આપી રહ્યા છે.

અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 218 ટકા વધ્યો

અદાણી એન્ટરપ્રાઈસિસનો શેર છેલ્લા એક વર્ષમાં 218.21 ટકા વધ્યો છે. ગતવર્ષે 3 ફેબ્રુઆરીએ 1017.10નું વાર્ષિક તળિયે પહોંચ્યો હતો. જે આજે 218 ટકા વધી 3236.55ની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. વિવિધ બ્રોકરેજ હાઉસે અદાણી એન્ટરપ્રાઈસિસના શેર પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવી શેરમાં તેજી વધવાનો આશાવાદ આપ્યો છે. જેની ઓલટાઈમ હાઈ સપાટી 4189.55 છે.