અમદાવાદ, 16 જાન્યુઆરીઃ ફેડરલ બેન્કે આજે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેમાં બેન્કે રેકોર્ડ રૂ. 1007 કરોડનો નફો નોંધાવ્યો હોવાનું ફેડરલ બેન્કના એમડી અને સીઈઓએ જણાવ્યું છે.

ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 1,007 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 803.6 કરોડ સામે 25 ટકા વધ્યો છે. ઉલ્લેખનીય છે, બેન્કે બજાર નિષ્ણાતોના રૂ. 945.5 કરોડના અંદાજ કરતાં વધુ નફો કર્યો છે.

બેન્કની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) 2.29 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 2.43 ટકા હતી. નેટ એનપીએ અગાઉના વર્ષના 0.73 ટકાની સરખામણીએ 0.64 ટકા હતી.

ફેડરલ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્યામ શ્રીનિવાસને જણાવ્યું હતું કે, અમારી ટીમના સમર્પિત પ્રયાસે અમને 1007 કરોડનો સર્વકાલીન ઉચ્ચ ચોખ્ખો નફો નોંધાવવામાં મદદ કરી છે, પાછલા કેલેન્ડર વર્ષમાં 100થી વધુ શાખાઓના વધારા સાથે અને આ વર્ષ માટે આયોજિત સમાન સંખ્યા સાથે, આ સકારાત્મક ગતિને ટકાવી રાખી ગ્રોથનો સિલસિલો જારી રાખવા સજ્જ છીએ.

બેન્કની કુલ થાપણો ગયા વર્ષે રૂ.201408.12 કરોડથી વધીને રૂ. 239591.16 કરોડ થઈ છે.

રૂ. 2123.36 કરોડની ચોખ્ખી વ્યાજ આવક (NII), જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 1956.53 કરોડની સરખામણીમાં 8.53 ટકા વધી છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં ફેડરલ બેન્ક 1418 શાખાઓ અને 1960 ATM/ રિસાયકલર્સ ધરાવે છે. કુલ એડવાન્સિસ 18.44 ટકા વધી રૂ. 1,99,185.23 કરોડ થયા હતા. કેપિટલ એડેક્વન્સી રેશિયો ડિસેમ્બર ત્રિમાસિકના અંતે 15.02 ટકા નોંધાયો છે.

ફેડરલ બેન્કનો શેર આજે 2.45 ટકા ઘટાડે રૂ. 149.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે એક તબક્કે ઈન્ટ્રા ડે 155.25ની ટોચ અને રૂ. 147.80ની બોટમ નોંધાવી હતી. શેરની વાર્ષિક ટોચ રૂ. 159.25 અને વાર્ષિક બોટમ રૂ. 120.90 છે.