RBI ગવર્નરે ડિજિટલ પેમેન્ટ પહેલ લોન્ચ કરી
મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંતા દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (જીએફએફ) 2024 ખાતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા બનાવેલી બે નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ નવી ઓફરિંગમાં વિવિધ ઈઆરપી અને એકાઉન્ટિંગ પ્લેટફોર્મ્સ પર બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) વ્યવહારોને સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી ભારત બિલપે (BPPS) ફોર બિઝનેસ અને યુઝર્સને પેમેન્ટ કામગીરીની સોંપણી (ડેલિગેટ પેમેન્ટ્સ) માટે સક્ષમ બનાવતી યુપીઆઈ સર્કલ સમાવિષ્ટ છે. આ પેમેન્ટ સોલ્યુશન્સનો હેતુ ભારતની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની સમાવેશકતા, સુરક્ષા અને અસરકારકતા વધારવાનો છે.
ઇન્ફોસિસના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને એનપીસીઆઈના સલાહકાર નંદન નિલેકાની તથા એનપીસીઆઈના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર અજય કુમાર ચૌધરીની હાજરીમાં આ લોન્ચિંગ કરવામાં આવ્યા હતા.
ભારત બિલપે ફોર બિઝનેસ (બીટુબી પ્લેટફોર્મ્સ)
બીટુબી પેમેન્ટ્સ અને કલેક્શન્સને સરળ બનાવતા બિઝનેસ એનેબલમેન્ટ પ્લેટફોર્મ્સ માટે બીબીપીએસ સર્વિસીઝના વિસ્તારની RBI ગવર્નરે જાહેરાત કરી હતી. આ ગતિવિધિથી એક જ સેન્ટ્રલાઇઝ્ડ ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં બિઝનેસ પેમેન્ટ્સના ક્ષેત્રે પરિવર્તન આવે તેવી સંભાવના છે. ભારત બિલપે ફોર બિઝનેસનો ઉદ્દેશ ગમે તે સાઇઝના બિઝનેસ માટે રોજબરોજના વ્યવસાયિક કામકાજ માટે વિવિધ ઇનવોઇસ પેમેન્ટ પ્રોસેસીસને સ્ટાન્ડર્ડાઇઝ કરવા, સરળ બનાવવા અને ઓટોમેટ કરવાનો છે. બિઝનેસ ઓનબોર્ડિંગ, બિઝનેસ શોધવા અને ઉમેરવા, પરચેઝ ઓર્ડર (પીઓ) બનાવવા, ઇન્વોઇસ મેનેજમેન્ટ, ઓટોમેટેડ રિમાઇન્ડર્સ, ગેરંટીડ સેટલમેન્ટ, ફાઇનાન્સિંગ, એઆર (એકાઉન્ટ્સ રિસિવેબલ્સ) અને એપી (એકાઉન્ટ્સ પેયેબલ) ડેશબોર્ડ અને ઓનલાઇન ડિસ્પ્યુટ રિસોલ્યુશન જેવી ઓફરિંગ્સ આ પ્લેટફોર્મમાં ઇનબિલ્ટ રહેલી છે. બેંકો, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઈઆરપી) અને બીટુબી ફિનટેક જેવી કંપનીઓ હવે બીબીપીએસ ફોર બિઝનેસ સાથે જોડાઈ શકશે અને તેમના ક્લાયન્ટ્સને સંપૂર્ણ સોલ્યુશન પૂરા પાડી શકશે.
આ સોલ્યુશન બિઝનેસીસને હાલની મેન્યુઅલ પ્રોસેસીસને સરળતાથી ડિજિટાઇઝ કરવા માટે સશક્ત બનાવશે અને વ્યાપક તથા ઇન્ટરઓપરેબલ ડિજિટલ ઇન્વોઈસ તથા પેમેન્ટ સોલ્યુશન્સ પર આ બિઝનેસીસને ઓન-બોર્ડ કરીને બીટુબી કંપનીઓ દ્વારા અપાતી સર્વિસીઝને વધારશે.
યુપીઆઈ સર્કલ (ડેલિગેટ પેમેન્ટ્સ એટલે કે પેમેન્ટની કામગીરીની સોંપણી)
RBI ગવર્નરે યુપીઆઈ સર્કલ લોન્ચ કર્યું હતું જેમાં યુપીઆઈ યુઝર્સ તેમના વિશ્વાસુ સેકન્ડરી યુઝર્સને પેમેન્ટ્સની કામગીરી સોંપી શકે છે. યુપીઆઈ સર્કલ એક એવું ફીચર છે જેમાં યુપીઆઈ યુઝર પેમેન્ટ્સના સંપૂર્ણ અથવા આંશિક સોંપણી માટે યુપીઆઈ એપ પર વિશ્વસનીય સેકન્ડરી યુઝર સાથે લિંક કરીને પોતે પ્રાયમરી યુઝર તરીકે કામ કરી શકે છે. સંપૂર્ણ સોંપણીમાં પ્રાયમરી યુઝર નક્કી કરેલી ખર્ચ મર્યાદા મુજબ યુપીઆઈ વ્યવહારો શરૂ કરવા અને પૂરા કરવા માટે વિશ્વસનીય સેકન્ડરી યુઝરને સત્તા સોંપી શકે છે. આંશિક સોંપણીમાં પ્રાયમરી યુઝર સેકન્ડરી યુઝર્સ તરફથી પેમેન્ટની રિક્વેસ્ટ્સ શરૂ કરવા માટે ઓથોરાઇઝ કરે છે. ત્યારબાદ પ્રાયમરી યુઝર યુપીઆઈ પિન દ્વારા યુપીઆઈ વ્યવહાર પૂરો કરે છે. પ્રાયમરી યુઝર પાંચ જેટલા સેકન્ડરી યુઝર્સને પેમેન્ટની કામગીરી સોંપી શકે છે અને સેકન્ડરી યુઝર માત્ર એક જ પ્રાયમરી યુઝર તરફથી પેમેન્ટ કામગીરીની સોંપણી સ્વીકારી શકે છે.
પેમેન્ટની કામગીરીની સંપૂર્ણ સોંપણીમાં દરેક સોંપણી દીઠ મહત્તમ માસિક મર્યાદા રૂ. 15,000ની છે અને દરેક વ્યવહારની મહત્તમ મર્યાદા રૂ. 5,000ની છે. હાલની યુપીઆઈ મર્યાદા આંશિક સોંપણીના કિસ્સામાં લાગુ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)