મુંબઈ / બરબેન્ક, કેલિફોર્નિયા 15 નવેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આરઆઇએલ”), વાયાકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (“વાયાકોમ18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (એનવાયએસઇ:ઇઆઇએસ) (“ડિઝની”)એ આજે ​​જાહેરાત કરી હતી કે માનનીય એનસીએલટી મુંબઈ, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા અને અન્ય નિયમનકારી ઓથોરિટીની મંજૂરીને પગલે વાયાકોમ18ના મીડિયા અને જિયોસિનેમાના બિઝનેસનું સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“એસઆઇપીએલ”)માં વિલીનીકરણ કરી સંયુક્ત સાહસ (“જેવી”) અસ્તિત્વમાં લાવવામાં આવ્યું છે. વધુમાં આરઆઇએલએ આ સંયુક્ત સાહસ માટે ₹11,500 કરોડ (~યુએસ$ 1.4 બિલિયન)નું મૂડીરોકાણ કર્યું છે. સંયુક્ત સાહસે અનુક્રમે અસ્કયામતો અને રોકડને ધ્યાનમાં રાખીને વાયાકોમ18 અને આરઆઇએલને શેર ફાળવ્યા છે.

આ નાણાકીય વ્યવહારનું મૂલ્ય સિનર્જીને બાદ કરતાં પોસ્ટ-મનીના આધારે ₹70,352 કરોડ (~યુએસ$ 8.5 બિલિયન) છે. ઉપરોક્ત વ્યવહારો પૂર્ણ થતાં આ સંયુક્ત સાહસ આરઆઇએલ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે અને આરઆઇએલ 16.34%, વાયાકોમ18 દ્વારા 46.82% અને ડિઝની 36.84% માલિકી હિસ્સો ધરાવે છે.

શ્રીમતી નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના ચેરપર્સન રહેશે, એ સાથે ઉદય શંકર વાઇસ ચેરપર્સન તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે. આ સંયુક્ત સાહસ માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંદાજે ₹26,000 કરોડ (~યુએસ$3.1 બિલિયન)ની પ્રો ફોર્મા સંયુક્ત આવક સાથે ભારતની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપનીઓમાંની એક બની છે. સંયુક્ત સાહસ 100થી વધુ ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને વાર્ષિક 30,000થી વધુ કલાકોનું ટીવી એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટનું સર્જન કરે છે. જિયોસિનેમા અને હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મનો કુલ સબ્સ્ક્રિપ્શન બેઝ 50 મિલિયનથી વધુ છે. આ સંયુક્ત સાહસ ક્રિકેટ, ફૂટબોલ અને અન્ય રમતોમાં રમતગમતના પ્રસારણ અધિકારોનો પોર્ટફોલિયો ધરાવે છે.

આ સંયુક્ત સાહસ વિશે બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસની રચના સાથે ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ પરિવર્તનશીલ યુગમાં પ્રવેશી રહ્યું છે. અમારી ઊંડી સર્જનાત્મક ક્ષમતા અને ડિઝની સાથેનો સંબંધ ભારતીય ગ્રાહકો વિશેની અમારી અજોડ સમજ સાથે ભારતીય દર્શકો માટે પોસાય તેવા ભાવે અપ્રતિમ મનોરંજન સામગ્રી સુનિશ્ચિત કરશે. હું સંયુક્ત સાહસના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને તેની સફળતાની કામના કરું છું.”

“આ બંને કંપનીઓ માટે તેમજ ભારતના ગ્રાહકો માટે એક રોમાંચક ક્ષણ છે, કારણ કે અમે આ સંયુક્ત સાહસ દ્વારા દેશની ટોચની મનોરંજન સંસ્થાઓમાંની એક કંપની બનાવીએ છીએ,” તેમ ધ વોલ્ટ ડિઝની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રોબર્ટ એ. ઇગરે જણાવ્યું હતું. “રિલાયન્સ સાથે જોડાવાથી અમે આ મહત્વપૂર્ણ મીડિયા માર્કેટમાં અમારી હાજરીને વિસ્તારવા અને દર્શકોને એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ કન્ટેન્ટ અને ડિજિટલ સર્વિસીઝનો વધુ મજબૂત પોર્ટફોલિયો પહોંચાડવા સક્ષમ છીએ.”

એક અલગ વ્યવહારમાં આરઆઇએલએ વાયાકોમ18માં પેરામાઉન્ટ ગ્લોબલનો 13.01%નો સંપૂર્ણ હિસ્સો ₹4,286 કરોડમાં ખરીદ્યો છે. પરિણામે ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર વાયાકોમ18માં આરઆઇએલનો હિસ્સો 70.49% થયો, નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ.નો 13.54% અને બોધિ ટ્રી સિસ્ટમ્સનો 15.97% હિસ્સો થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)