મુંબઈ, 2 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લાસ્ટ ઇ-સ્પોર્ટ્સ લિમિટેડે (“બ્લાસ્ટ”) ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્તસાહસની રચના કરવાના કરાર કર્યા છે.

ભારત સૌથી ઝડપથી વિકસતું ગેમિંગ માર્કેટ છે જેમાં ~600 મિલિયનથી વધુ (વૈશ્વિક સ્તરે કુલ ગેમર્સના 18%)નો વિશાળ ગેમર બેઝ છે. ભારતનું ગેમિંગ માર્કેટ ~19%ના સીએજીઆરથી વધીને 2029 સુધીમાં 9.2 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે જે 2024માં 3.8 અબજ યુએસ ડોલર હતું. વૈશ્વિક ઈ-સ્પોર્ટ્સ બજાર 2024માં 2.8 બિલિયન યુએસ ડોલરથી વધીને 2033 સુધીમાં 16.7 બિલિયન યુએસ ડોલર થવાની ધારણા છે, જે ~22%નો સીએજીઆર દર્શાવે છે. ભારતનું ઈ-સ્પોર્ટ્સ બજાર પ્રારંભિક તબક્કામાં છે અને તેની ઉચ્ચ વૃદ્ધિ ધરાવતું બજાર બનવાની અપેક્ષા છે. ભારત સરકારે દેશમાં ઈ-સ્પોર્ટ્સને “મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ” શ્રેણીના હિસ્સા તરીકે જાહેર કરીને તેને સત્તાવાર રીતે માન્યતા આપી છે.

આ વ્યૂહાત્મક ભાગીદારી બ્લાસ્ટની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇ-સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ અને પ્રોડક્શન ટેક્નિક્સને ભારતમાં લાવીને આ વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે, જ્યારે ઝડપથી વિકસતા ગેમિંગ બજારને અનુરૂપ નવી ટુર્નામેન્ટ આઇપીનું સહ-નિર્માણ કરશે.

2025માં બ્લાસ્ટ ઇવેન્ટ્સને બે અબજ વ્યૂઝ મળવાની, 150થી વધુ દેશોમાં વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવાની અને 30થી વધુ ભાષાઓમાં પ્રસારિત થવાની અપેક્ષા છે.

બ્લાસ્ટના સીઇઓ રોબી ડુએકે જણાવ્યું કે, બ્લાસ્ટ પાસે વૈશ્વિક પ્રેક્ષકો માટે વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટ અને મનોરંજન પહોંચાડવાનો સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ છે અને અમે એ કુશળતા ભારતમાં લાવવા માટે ઉત્સુક છીએ. આ સંયુક્ત સાહસ માત્ર ભારતીય ઈ-સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વિકસાવવામાં મદદ નહીં કરે પરંતુ સ્થાનિક પ્રતિભાને વૈશ્વિક મંચ પર ચમકવા માટે નવા માર્ગો પણ તૈયાર કરશે.

રિલાયન્સ સ્પોર્ટ્સના હેડ દેવાંગ ભીમજિયાણીએ જણાવ્યું કે, આ સંયુક્ત સાહસ સાથે રિલાયન્સ રમતગમતમાં તેની રુચિને ઈ-સ્પોર્ટ્સમાં વિસ્તારશે અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ અને ટીમોને માર્કેટિંગ અને પ્રમોટ કરવાની રાઇઝની ક્ષમતાનો લાભ લેશે, સાથે જ જિયો તેની ડિસ્ટ્રિબ્યૂશન અને ટેકનોલોજીની કુશળતા પૂરી પાડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)