અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ માર્કેટમાં એવાં સમાચાર ફરી રહ્યા છે કે, અદાણી ગ્રૂપની કંપનીઓના ખાતા સ્વીસ બેન્ક દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે તેના સામે અદાણી ગ્રૂપે ખૂલાસો કર્યો છે કે અમારું જૂથ સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી તેમજ અમારી કંપનીના કોઈપણ ખાતાને કોઈ સત્તાધિશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. અદાણી ગૃપ સામે પ્રસ્તુત કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ.

પ્રસાર માધ્યમો જોગ કરેલા નિવેદનમાં અદાણી ગૃપે વધુમાં જણાવ્યું છે કે સ્વિસ કોર્ટના કથિત આદેશમાં પણ  સ્વિસ કોર્ટે ના તો અમારી જૂથની કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે અને ના તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકારી સંસ્થા તરફથી સ્પષ્ટતા અથવા માહિતી માંગતી કોઈ વિનંતીઓ મળી છે. આ તકે અમે વધુ એક વાર એ બાબતનો પુનરોચ્ચાર કરીએ છીએ કે અમારું વિદેશી હોલ્ડિંગનું સમગ્ર માળખું પારદર્શક તથા  સંપૂર્ણ રીતે જાહેર અને તમામ સંબંધિત કાયદાઓ સાથે સુસંગત છે.

આ આક્ષેપો સ્પષ્ટ રીતે અવિચારી, અતાર્કિક અને વાહિયાત છે. અમારા જૂથની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને અફર ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડવા માટે સમાન જૂથો દ્વારા આ એક વધુ સંગઠિત અને પ્રચંડ પ્રયાસ છે તેમ જણાવવામાં અમોને કોઈ સંકોચ કે ખચકાટ નથી.

અદાણી ગ્રૂપ તમામ કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો સાથે પારદર્શિતા અને તેના પાલન માટે અડગપણે પ્રતિબદ્ધ છે.

આ પ્રયાસની સખત નિંદા કરવા સાથે સંબંધિત તમામને આવી મનઘડંત બાબતો પ્રકાશિત કરવાથી દૂર રહેવા અમે વિનંતી કરીએ છીએ. આમ છતાં જો આ બાબતમાં આગળ વધવાનું નક્કી કરો તો તે સમયે અમારા નિવેદનનો પણ સંપૂર્ણ સમાવેશ કરવા અમે વિનંતી કરીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)