માણસ ચાર પ્રકારે કમાય છે 1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ તે જ રીતે માણસ ચાર પ્રકારે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરે છે. 1. સેવિંગ્સ, 2. ઇન્વેસ્ટમેન્ટ, 3. ટ્રેડિંગ અને 4. સ્પેક્યુલેશન. માણસ ચાર પ્રકારે નાણા તેમજ વસ્તુઓનો ઉપયોગ કે છે. 1. વેડફાટ, 2. ખર્ચ, 3. વપરાશ અને 4. ઉપયોગ.

તેવી જ રીતે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતાં રોકાણકારો પણ 7 પ્રકારના હોય છે. તેમાંથી તમે કઇ કેટેગરીમાં આવો છો તે પહેલાં તો નક્કી કરો. તેમાં આવશ્યકતા અનુસાર બદલાવ લાવો.

શેરબજારમાં 7 પ્રકારના ઇન્વેસ્ટર્સ, તમે કયા પ્રકારના બનવા માગો છો..?

  1. સેવર્સઃ મોટાભાગના રોકાણકારો આ કેટેગરીમાં આવે છે. કારણકે તેમની મનોવૃત્તિ જોખમ નહિં ખેડવાની હોય છે. તેઓ એવાં જ શેર્સની પસંદગી કરશે કે જેમાં ડિવિડન્ડ, બોનસ, રાઇટ્સના લાભો મળી રહેતાં હોય અને શેરમાં વોલેટિલિટી ઓછી રહેતી હોય.
  2. રેગ્યુલર ઇન્વેસ્ટર્સઃ તેઓ લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટેડી રિટર્નના કન્સેપ્ટને ફોલો કરશે. બ્લુચીપ અને સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ કે લાર્જકેપ સ્ટોક્સની પસંદગી કરશે. એટલુંજ નહિં, તેઓ પૈસાની જરૂરિયાત સમયેજ ઇન્વેસ્ટમેન્ટમાંથી ચોક્કસ હિસ્સો વેચશે અને જ્યારે જ્યારે માર્કેટમાં કરેક્શન આવશે ત્યારે ખરીદીની તક પણ ઝડપતાં રહેશે. શોર્ટટર્મ વોલેટિલિટીથી તેમને કોઇ ફરક પડશે નહિં. આવા રોકાણકારો આકર્ષક રિટર્ન મેળવતાં રહે છે.
  3. વિન્ડો શોપર્સઃ જે રીતે કેટલાંક લોકો ટાઇમ પાસ માટે મોલમાં ઘૂસી જશે, બધું જોશે. ભાવતાલ કરશે અને મફતમાં એસીની હવા ખાવાનો લાભ લઇને બહાર નિકળી જશે. તેમને વિન્ડો શોપર્સ કહેવાય છે. શેરબજારમાં પણ આવા રોકાણકારો હોય છે. શું લાગે છે સેન્સેક્સ/ નિફ્ટીમાં.. ક્યાં સુધી જશે.. ફલાણી કંપનીના રિઝલ્ટ બહુ સારા/ખરાબ આવ્યા છે નહિં… માર્કેટ હવે ઊછળશે/ તૂટી જશે..થી માંડીને જાત-ભાતની ઇન્ફોર્મેશન ભેગી કરશે અને ગામમાં વહેંચશે. પરંતુ ખરીદી કંઇ નહિં કરી શકે. તેમની પાસે સ્ટ્રેટેજી, એનાલિસિસથી માંડીને બધું જ હશે, બસ નહિં હોય માત્ર હિંમત..
  4. સીઝનલ ટ્રેડર્સઃ બહોળો અનુભવ હોવા છતાં રોકાણ ઉપર નજીવું રિટર્ન મેળવી શકે. તેઓ એવાં સ્વપ્નમાં રાચતાં હોય છે કે, બજાર/ કંપની વિશે પહેલી માહિતી તેમની પાસે જ છે. પરંતુ નિર્ણાયક શક્તિના અભાવે યોગ્ય સમયની રાહ જોવામાં સમય નિકળી ગયા પછી લેણ/વેચાણનો નિર્ણય લઇને રિટર્નની માત્રા મર્યાદિત કરી બેસતાં હોય છે. ટૂંકમાં મૂડીરોકાણ માટેનું સમયપત્રક તૈયાર કરવામાં વધુ સમય લગાડે છે.
  5. બલીનો બકરોઃ 100માંથી 98 ટકા રોકાણકારો પાનના ગલ્લે કે ટોળે વળેલાંઓની સલાહ, ટીપ્સ, એજન્ટ, બ્રોકર્સ, ચોપાનિયાની બેસ્ટબાય કોલમો મારફત મૂડીરોકાણનો નિર્ણય લઇ લે છે. પોતાનું નોલેજ શૂન્ય હોવાના કારણે તેઓ રોકાણની મોકાણ કર્યે રાખતાં હોય છે.
  6. ડે ડ્રીમર્સઃ અર્થાત્ ધોળા દિવસે અને ખૂલ્લી આંખે પણ સ્વપ્ન જોનારાઓ. તેઓ બીજાઓ કરતાં અલગ એ રીતે પડતાં હોય છે કે, તેઓ નોકરી- ધંધા- વ્યવસાયમાં સફળ થયેલાં હોવાના કારણે શેરબજારમાં મૂડીરોકાણ એટલે ડાબા હાથનો ખેલ સમજીને ખાબકતાં હોય છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, અન્ય ફિલ્ડમાં મળેલી સફળતા એ શેરબજારમાં કમાણીનો માપદંડ નથી. તેઓ શેરબજારમાં પણ એજ સ્ટ્રેટેજી અપનાવવા જશે કે જે નોકરી- ધંધા- વ્યવસાયમાં અપનાવી હોય. આવા રોકાણકારોની એક સૌથી નકારાત્મક ખાસિયત એ હોય છે કે, તેઓ શેરની એવી ભ્રમણા સાથે પસંદગી કરશે અને રાહ જોશે કે તે શેરનો ભાવ શોર્ટટર્મમાં જ અનેક ગણો વધી જશે.
  7. ફ્રેશ ઇન્વેસ્ટર્સઃ બજારમાં ચડતી/ પડતીની પડી ના હોય અને પોતાની જ વાત સાચી હોવાનું માનીને વળગી રહેશે. પોતાના આત્મવિશ્વાસમાં બીજાઓની સલાહની ભેળસેળ કરશે અને મૂડીરોકાણમાં લાપસીની થૂલી કરતાં રહેશે. વારંવાર વાસ્તવિકતાના સ્થાને સિક્સ્થ સેન્સ (છઠ્ઠી ઇન્દ્રીય કે જે તમને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે અહેસાસ કરાવતી હોય)ના નામે ખરીદી/ વેચાણના નિર્ણયો લેશે. પોતાને ખબર પડશે તે રીતે જ વર્તશે. માર્કેટની ચાલ કે પ્રોપર સિસ્ટમને ફોલો નહિં જ કરે.