પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!: કરણ અદાણી
અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રૂપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. તાજેતરમાં કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં અદાણી જૂથ બનાવતા પહેલાના પરિવારના સંઘર્ષો અને પડકારો પણ શેર કર્યા હતા. કરણભાઈ કેવી રીતે પિતા ગૌતમ અદાણીએ બતાવેલા માર્ગે ચાલી રહ્યા છે તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સીઈઓ કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “કોઈની નજીક હોવાનો અર્થ એ નથી કે તમારું કામ સરળતાથી થઈ જશે કે તમને નવા કામ સરળતાથી મળી જશે. જો તમે કોઈપણ કાર્યને સારી રીતે પાર પાડવાની ક્ષમતા ધરાવો છો, તો તમને ચોક્કસપણે કામ મળશે”. અદાણી પોર્ટસની સાથે તેઓ અદાણી ગ્રુપની સિમેન્ટ કંપનીઓને પણ હેન્ડલ કરી રહ્યા છે.
2030 સુધીમાં 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક
કરણ અદાણી જણાવે છે કે, ” 2030 સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માંગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ.
રણનિતી અને ફાયદા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો?
કરણ અદાણી જણાવે છે કે, “અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે રણનીતિ જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જો કે તેનો અર્થ એ નથી કે દેશની જીઓ પોલીટીકલ પ્રાથમિકતાઓ ગ્રૂપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણીવાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકશાન પણ થાય છે, જો કે આ બધુ ચાલતું રહે છે.
હિન્ડેનબર્ગ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરી હતી?
કરણ અદાણી જણાવે છે કે “શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ કેસ સમયે, મારી પાસે મુખ્યત્વે 3 જવાબદારીઓ હતી. પ્રથમ – બિઝનેસ સરળતાથી ચાલે તે જોવું. મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે માત્ર બંદરો જ નહીં પરંતુ સમગ્ર જૂથનો વ્યવસાય પુર્વવત ચાલુ રહે.” ફેમિલી સ્ટ્રક્ચર વિશે વાત કરતા તેઓ ઉમેરે છે કે ” અમારી ફેમિલીનું સ્પષ્ટ માળખું છે. અમારી ગ્રૂપની વિવિધ કંપનીઓ વચ્ચે 23 થી 25 આંતરરાષ્ટ્રીય બોન્ડ ઇશ્યૂ છે. તે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા રેટેડ છે. અમે તેમાં કંઈપણ છુપાવ્યું નથી.”
અદાણી ગ્રુપની પારદર્શિતા અંગે: કરણ અદાણીના જણાવ્યા પ્રમાણે, જો હિંડનબર્ગ સંબંધિત કેસની તપાસની વાત કરીએ તો, એક ગ્રુપ કંપની તરીકે અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. અમે કોઈ માહિતી છુપાવી નથી. અમારા વાર્ષિક અહેવાલો, અમારા બોન્ડ ઇશ્યૂ અથવા કોઈપણ IPO બધામાં તમને પારદર્શિતા દેખાશે.”
રોકાણકારોને વળતર આપવું જરૂરી: કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “અમારો પરિવાર અદાણી ગ્રૂપમાં સૌથી મોટો શેરધારક છે. છેવટે અમારા રોકાણકારોને વળતર આપવુ જરૂરી હોય છે, તેથી સંતુલન પણ જરૂરી છે. રોકાણકારોના દૃષ્ટિકોણથી જુઓ તો, એક જૂથ તરીકે અમે 2007-2008માં સંક્રમણમાંથી પસાર થયા છીએ. 2007-2008માં અમારી પાસે હોલ્ડિંગ માળખું હતું. પહેલા અમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝિસ હતી. ત્યારબાદ બાકીની સબસિડિયરી કંપનીઓએ કંપનીઓને અલગ કરવાનું શરૂ કર્યું હતું.
અદાણી ગ્રુપ બનાવતા પહેલાનો સંઘર્ષ :ઈન્ટરવ્યુ દરમિયાન કરણ અદાણીએ પોતાના પરિવારના સંઘર્ષના દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું, “જો પ્રથમ પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફરની વાત કરીએ, તો અમને એક વારસો મળ્યો છે. માત્ર પારિવારિક વ્યવસાય જ નહી પરંતુ એક પ્લેટફોર્મ મળ્યું છે. જેમાં અમારે આગળ વધવાનું છે. એ વારસાનું રક્ષણ કરતા એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે તે આગામી પેઢી સુધી પહોંચે.”
પિતાના પગલે ચાલવાનો પ્રયાસ: પિતા ગૌતમ અદાણી વિશે કરણ અદાણી જણાવે છે, “મને લાગે છે કે મારા પિતાએ જે કામ કર્યું તેવું કદાચ હું કરી શકીશ નહીં. મારી નબળી બાજુ અને મજબૂત બાજુઓથી અમે વાકેફ છીએ. અમે મજબૂત બાજુને વધારી રહ્યા છીએ. મારા પિતા તરફથી હું જે શીખ્યો છું તેનો મારા રોજિંદા કામમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું.”
ગૌતમ અદાણીની નિવૃત્તિ બાદ શું?: ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગ્રૂપ બિઝનેસના ઉત્તરાધિકારીઓના નામ જાહેર કર્યા હતા. તેઓ 2030 સુધીમાં તેમના પુત્રો અને ભત્રીજાઓને તેમની જવાબદારીઓ સોંપશે. બિઝનેસ સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવા તેમણે 2018 થી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અદાણી ગ્રુપને આગળ લઈ જવાની જવાબદારી તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીના અને સાગર અદાણી ખભા પર રહેશે.
ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “કોઈપણ વ્યવસાય માટે અનુગામીની પસંદગી એ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. હું ઈચ્છું છું કે અદાણી પરિવારની આગામી પેઢી આ નિર્ણય જવાબદારીપૂર્વક લે. કરણ, જીત, પ્રણવ અને સાગરે મને વચન આપ્યું છે કે તેઓ સાથે મળીને અદાણી ગ્રુપને એક પરિવારની જેમ આગળ લઈ જશે”.