ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો

અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. આજે ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું નોંધાયુ હતું. બિટકોઈન પણ અઢી માસના તળિયે પહોંચ્યો હતો. બિટકોઈન આજે 4 ટકા ઘટી 25783.40 ડોલર આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો. જે અઢી માસનુ તળિયુ દર્શાવે છે. અગાઉ 17 માર્ચે બિટકોઈન 24955 ડોલરે ટ્રેડેડ હતો. ઈથેરિયમ 2.56 ટકા ઘટી 1819.92 પર ટ્રેડેડ હતો. બીએનબી, ડોઝકોઈન, સોલાના સૌથી વધુ 7 ટકા તૂટ્યા હતા.

ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનન્સ અને CEO ચાંગપેંગ ઝાઓ સામે દાવો

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને સોમવારે વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનન્સ અને તેના સીઈઓ ચાંગપેંગ ઝાઓ સામે દાવો દાખલ કર્યો છે. આરોપ છે કે ઝાઓ યુએસના નિયમોને ટાળવા માટે ગુપ્ત રીતે Binance.USને નિયંત્રિત કરી રહ્યા હતા. યુએસ સ્ટોક એક્સચેન્જની આ કાર્યવાહીથી ક્રિપ્ટો ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. જો એક્સચેન્જના આરોપો સાચા સાબિત થશે, તો સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચી શકે છે. Binance સૌથી મોટુ ક્રિપ્ટો એક્સચેન્જ છે, તેનાથી રોકાણકારોનો વિશ્વાસ સંપૂર્ણપણે ડગમગી શકે છે.

છેલ્લા 24 કલાકમાં કુલ ક્રિપ્ટો માર્કેટ વોલ્યુમ $45.87 અબજ હતું, DeFi માં કુલ વોલ્યુમ હાલમાં $3.36B છે, જે કુલ ક્રિપ્ટો માર્કેટ 24-કલાકના વોલ્યુમના 7.33% છે. તમામ સ્ટેબલ કોઈનનું વોલ્યુમ $43.25B છે, જે કુલ ક્રિપ્ટો માર્કેટ 24-કલાકના વોલ્યુમના 94.29% છે. બિટકોઈનનું વર્ચસ્વ ક્રિપ્ટો માર્કેટમાં હાલ 45.75% છે.