અમદાવાદ, 27 જાન્યુઆરી:બાલાજી વેફર્સે આજે જાહેર કર્યું  કે તેણે અગ્રણી વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણ મેળવવા માટે નિશ્ચિત કરાર કર્યાં છે. આ ટ્રાન્ઝેક્શનની નાણાકીય શરતો જાહેર કરાઇ નથી.

વિરાણી પરિવાર દ્વારા વર્ષ 1981માં સ્થાપિત બાલાજી વેફર્સ એક સ્વદેશી એન્ટરપ્રાઇઝમાંથી વિકસીને ભારતની સૌથી મોટી પેકેજ્ડ સ્નેક બ્રાન્ડ્સ પૈકીની એક બની છે. કંપનીએ ઉચ્ચ-ગુણવત્તા, સ્વાદ અને ઉપલબ્ધતાની ખાતરી સાથે તેની બ્રાન્ડ બનાવી છે, જે ઓટોમેશન, સપ્લાય ચેઇન, ઇનોવેશનમાં સતત રોકાણ તેમજ તેના કર્મચારીઓ અને ચેનલ પાર્ટનર્સ દ્વારા સમર્થિત છે. બાલાજી વેફર્સ નમકીન, વેસ્ટર્ન સ્નેક્સ, બટાકા વેફર્સ, નુડલ્સ, ચિક્કી, પાપડ અને કન્ફેક્શનરીમાં વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે અને દરેક પ્રોડક્ટ્સને ગ્રાહકો તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે. વર્ષોથી કંપનીએ ગુજરાતમાં તેની કામગીરીના સ્તરમાં સફળતાપૂર્વક વધારો કરીને ભારતના વિવિધ રાજ્યોમાં અગ્રણી કંપની બની છે. બાલાજી વેફર્સ તેની મજબૂત ઘરેલુ ઉપસ્થિતિની સાથે-સાથે વિશ્વમાં આશરે 25 દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

જનરલ એટલાન્ટિકના રોકાણ સાથે બાલાજી વેફર્સ તેની મુખ્ય કોર્પોરેટ કામગીરીને મજબૂત કરવા અને ઇનોવેશનને વેગ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ફૂડ અને કન્ઝ્યુમર સેક્ટરમાં જનરલ એટલાન્ટિકની કુશળતા સાથે કંપની સમગ્ર ભારતમાં તેના વિસ્તરણને બળ આપવાની યોજના ધરાવે છે.

ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે બાલાજી વેફર્સ માટે એક્સક્લુઝિવ એડવાઝરની ભૂમિકા નિભાવી છે. ડી. કે. સુરાનાના નેતૃત્વ હેઠળ ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ કન્ઝ્યુમર સેક્ટરમાં અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે.આ ટ્રાન્ઝેક્શન નિયામકીય મંજૂરીઓને આધીન છે અને વર્ષ 2026માં પૂર્ણ થવાની આશા છે.