અમદાવાદ, 14 માર્ચઃ ભારતીય શેરબજારોમાં મોટાપાયે ઉથલ-પાથલ વચ્ચે ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ ત્રણેય IPOમાં પોઝીટિવ રિટર્ન મળી રહ્યું છે. ખાસ કરીને માર્ચમાં જોવા મળેલા હેવી કરેક્શન વચ્ચે પણ મંગળવારે લિસ્ટેડ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems) બીએસઈ ખાતે 1.69 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો હતો. રૂ. 590ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 600ના સ્તરે લિસ્ટેડ થયા બાદ ઉંચામાં 615.75ની સપાટી ક્રોસ કરી હતી. ઈન્ટ્રા ડે દિવગીના IPO રોકાણકારોને મહત્તમ 4.36 ટકા રિટર્ન પ્રાપ્ત થયુ હતું. અર્થાત રૂ. 14750ના ઈશ્યૂદીઠ રોકાણકારને રૂ. 643.75નો નફો થયો હતો. દિવસ દરમિયાન નીચામાં 5.56 ટકા સુધી ડિસ્કાઉન્ટ (557.20) થયો હતો. અને છેલ્લે 2.57 ટકા પ્રિમિયમ સાથે રૂ. 605.15ની સપાટીએ બંધ રહ્યો હતો. ઓટોમોટિવ કમ્પોનન્ટ કંપની દિવગી ટોર્કટ્રાન્સફર્સના રૂ. 412.12 કરોડનો IPO કુલ 5.44 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ 7.83 ગણી એપ્લિકેશન્સ કરી હતી. રિટેલ રોકાણકારોએ 4.31 ગણા બિડ્સ ભર્યા હતા. જ્યારે એનઆઈઆઈમાં 1.40 ગણુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ હતું.

કેલેન્ડર 2023માં લિસ્ટેડ IPOની સ્થિતિ એક નજરે

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
Sah PolymersJan 12, 236589.2537.31%76.4217.57%
Radiant CashJan 4, 2394104.711.38%95.661.77%
DIVGIITTSMar 14, 23590605.152.57%605.152.57%

સૌથી મોટા શેરહોલ્ડર નંદન નિલકેણીના ટ્રસ્ટને 384 ટકા રિટર્ન

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીના ટ્રસ્ટ પાસે દિવ્ગીના 14.4 લાખ શેર છે. દિવગીના રૂ. 412 કરોડનો IPOની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 590 હતી. ઓટો પાર્ટ્સ નિર્માતા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, નંદન નિલેકણીના ટ્રસ્ટે શેર દીઠ રૂ. 125ના દરે રોકાણ કર્યું હતું. જેમાં આજના બંધ રૂ. 605.15ના ભાવને જોતાં નંદન નીલેકણીને 384 ટકા રિટર્ન પ્રાપ્ત થઈ રહ્યું છે. નંદન નીલકેણીના રૂ. 18 કરોડના રોકાણ મૂડી આજે લિસ્ટિંગ બંધ બાદ 87 કરોડ કરતાં વધી છે.