HDFC બેંકનો ત્રિમાસિક નફો 29 ટકા વધ્યો
અમદાવાદ, 18 જુલાઇઃ HDFC બેંક લિમિટેડે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી આવક આગલાં વર્ષના તેટલાં જ ગાળાના ₹27,844 કરોડ સામે 25.9% વધીને ₹35,067 કરોડ નોંધાવી છે. ચોખ્ખો નફો ₹12,370 કરોડ નોંધાયો હતો, જે 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળાની સરખામણીએ 29.1%નો વધારો સૂચવે છે. 30 જૂન, 2023ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળા માટેની શૅર દીઠ કમાણી ₹22.2 હતી અને 30 જૂન, 2023 સુધીમાં તેનું શૅર દીઠ અંકિત મૂલ્ય ₹542.7 હતું.
સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામોઃ
બેંકની ચોખ્ખી આવક 30 જૂન, 2022ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળાના અંતે ₹25,870 કરોડ હતી, જે 30 જૂન, 2023ના રોજ પૂરાં થયેલા ત્રિમાસિકગાળાના અંતે 26.9% વધીને ₹32,829 કરોડ થઈ ગઈ હતી. વ્યાજની ચોખ્ખી આવક (વ્યાજની આવકમાંથી વિસ્તારેલા વ્યાજને બાદ કર્યા બાદ) 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે નોંધાયેલી ₹19,481 કરોડની વ્યાજની ચોખ્ખી આવકથી 21.1%થી વધીને ₹23,599 કરોડ થઈ ગઈ હતી. મૂળ ચોખ્ખું વ્યાજ માર્જિન કુલ સંપત્તિના 4.1% રહ્યું હતું અને વ્યાજ રળનારી મિલકતો પર આધાર રાખી 4.3% રહ્યું હતું.
30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે આકસ્મિક સંજોગો માટેની કુલ જોગવાઈ ₹3,188 કરોડ હતી, જે 30 જૂન, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે ₹2,860 કરોડ હતી. 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળાના 0.91%ની સરખામણીએ કુલ ક્રેડિટ કોસ્ટ રેશિયો 0.70% રહ્યો હતો. 30 જૂન, 2023ના રોજ પૂરાં થયેલાં ત્રિમાસિકગાળા માટેનો કરવેરા ચૂકવ્યાં પૂર્વેનો નફો (પીબીટી) ₹15,912 કરોડ હતો. ₹3,960 કરોડના કરવેરાની ચૂકવણી કર્યા બાદ બેંકે ₹11,952 કરોડનો ચોખ્ખો નફો રળ્યો હતો, જે 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળાની સરખામણીએ 30.0%નો વધારો સૂચવે છે.
મૂડી પર્યાપ્તતા:
બાસેલ III માર્ગદર્શિકાઓ મુજબ, બેંકનો કુલ મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (સીએઆર) 11.7%ની નિયમનકારી જોગવાઈની તુલનામાં 30 જૂન, 2023ના રોજ 18.9% હતો (30 જૂન, 2022ના રોજ 18.1% હતો), જેમાં 2.5%ના કેપિટલ કન્ઝર્વેશન બફર અને બેંક ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક (ડી-એસઆઈબી) તરીકે ઓળખ ધરાવતી હોવાને લીધે 0.2%ની વધારાની આવશ્યકતાનો સમાવેશ થાય છે. 30 જૂન, 2023ના રોજ સુધીમાં ટિયર 1 સીએઆર 16.9% હતો અને કૉમન ઇક્વિટી ટિયર 1 કેપિટલ રેશિયો 16.2% હતો. જોખમ-ભારિત અસ્ક્યામતો ₹16,70,899 કરોડ હતી.
અસ્ક્યામત ગુણવત્તા
30 જૂન, 2023ના રોજ બિન-કાર્યક્ષમ અસ્ક્યામતોનો કુલ આંક કુલ ધિરાણના 1.17% હતો, (કૃષિ સેગમેન્ટમાં એનપીએને બાદ કરતાં 0.94%), જે આંક 31 માર્ચ, 2023માં 1.12% હતો (કૃષિ સેગમેન્ટમાં એનપીએને બાદ કરતાં 0.94%) અને 30 જૂન, 2022ના રોજ 1.28% હતો (કૃષિ સેગમેન્ટમાં એનપીએને બાદ કરતાં 1.06%). ચોખ્ખી બિન-કાર્યક્ષમ અસ્ક્યામતો 30 જૂન, 2023ના રોજ ચોખ્ખા ધિરાણના 0.30% હતી.