ઈરાન- અમેરિકા યુદ્ધની અસર સોના અને ચાંદી ના ભાવ પર, સોનાનો ભાવ 1.67 લાખને પાર અને ચાંદીનો ભાવ ૩ લાખની નજીક
અમદાવાદ, 2 માર્ચ: ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારોનો વિશ્વાસ શેરબજારથી કિંમતી ધાતુઓ તરફ વળી ગયો છે. જ્યારે પણ યુદ્ધનો ભય દેખાય છે, ત્યારે સોનાને વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં 3.17 ટકા અથવા 5,131નો વધારો થયો અને ચાંદીના વાયદો ફરી એક વાર ૩ લાખની નજીક પહોચ્યો. MCX પર એપ્રિલ ફ્યુચર્સ માટે 24 કેરેટ સોનાનો ભાવ 167,235 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. દરમિયાન, 5 માર્ચના ફ્યુચર્સ માટે ચાંદીનો ભાવ 3.49 ટકા અથવા 9,856 વધીને 292,500 પ્રતિ કિલોગ્રામ થયો.
ગોલ્ડ-સિલ્વર ETFમાં તેજી:
આજે સવારે શેરબજારમાં કડાકો બોલાયો છે, પરંતુ ગોલ્ડ અને સિલ્વર ETFમાં જોરદાર તેજી જોવા મળી છે. જ્યાં સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો છે, ત્યાં ટાટા સિલ્વર ETF 7% અને ICICI-SBIના સિલ્વર ETF 6% થી વધુ ઉછળ્યા છે. સોનાના કિસ્સામાં પણ ICICI અને ટાટા ગોલ્ડ ETFમાં 5% થી વધુનો વધારો રહ્યો છે, જ્યારે નિપ્પોન અને SBIના ગોલ્ડ ફંડ 4-5% સુધી વધ્યા છે.
