NIFTY 18200 મહત્વની હર્ડલ ક્રોસ, સેન્સેક્સ 61000 ક્રોસ
અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે કેલેન્ડર વર્ષ 2023 શુકનવંતી શરૂઆત સાથે રહ્યું છે. સતત બીજા દિવસના સુધારામાં સેન્સેક્સ વધુ 126.41 પોઇન્ટના સુધારા સાથે 61294.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી 16200 પોઇન્ટની ઉપર બંધ જાળવવામાં સફળ રહ્યો હતો. યુરોપિયન બજારોમાં કન્ઝ્યુમર ડેટા પોઝિટીવ રહેવાની અપેક્ષા સાથે સુધારો નોંધાયો હતો. જ્યારે એશિયન બજારોમાં ચીન અને હોંગકોંગ માર્કેટે પણ સુધારા સાથે શરૂઆત કરી હતી. જેની અસર માર્કેટમાં જોવા મળી છે. આગામી મહિને જારી થનાર બજેટમાં જીડીપી ગ્રોથ કેન્દ્રીત સુધારાના અહેવાલો મળી રહ્યા છે.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી
સેન્સેક્સ પેકની 30 પૈકી 17 સ્ક્રિપ્સમાં સુધારો અને 12 સ્ક્રિપ્સમાં ઘટાડો નોંધાયો હતો. કુલ ટ્રેડેડ 3665માંથી 2032માં સુધારો અને 1491 સ્ટોક્સમાં ઘટાડો માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાનો સંકેત આપે છે.
વિવિધ સેક્ટોરલ્સની સ્થિતિ એક નજરે
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ આજે 1.56 ટકા વધ્યો હતો. બીજી બાજુ મેટલ શેરોમાં કરેક્શન નોંધાતા મેટલ ઈન્ડેક્સ 0.55 ટકા ઘટ્યો હતો. એફએમસીજી અને ઓટો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટર સુધારાની ચાલ સાથે આગળ વધી રહ્યું છે. બેન્કેક્સ 0.58 ટકા સુધાર્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ આરબીએલ, કેનેરા અને એક્સિસ બેન્કના શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. એક્સિસ બેન્ક ઈન્ટ્રા ડે 965.85ની ટોચ બાદ 2.25 ટકા વધી સાથે 962.65, આરબીએલ ઈન્ટ્રા ડે 187.60ની વર્ષની ટોચે પહોંચ્યા બાદ 2.87 ટકા ઉછળી 186.45 અને કેનેરા બેન્ક 341.60ની 52 વીકની હાઈ સપાટી નોંધાવી 0.19 ટકા સુધરી 336.80 પર બંધ રહ્યો હતો.
વિદેશી નાણાકીય સંસ્થાઓની સતત વેચવાલી ચિંતાજનક
ભારતીય શેરબજારોમાં એફઆઈઆઈએ વધુ 628.07 કરોડની વેચવાલી દર્શાવી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 350.57 કરોડની ખરીદીનો ટેકો રહ્યો હતો.