મુંબઇઃ ઓનલાઈન ફેશન રિટેલર નાયકાની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures Limited (Nykaa) એક શેરદીઠ પાંચ શેર બોનસ ફાળવશે. તદુપરાંત નવા એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન્સ (ESOP) અને એમ્પ્લોઇ સ્ટોક યુનિટ પ્લાન (RSU) જારી કરવાની પણ શેરધારકોએ કંપનીને મંજૂરી આપી છે. જોકે, કંપનીની આ જાહેરાત પણ રોકાણકારો અને શેરધારકોને આકર્ષવામાં નિષ્ફળ ગઇ હોય તેમ શેરનો ભાવ ગુરુવારે પણ રૂ. 25.75 (2.23 ટકા)ના ધોવાણ સાતે રૂ. 1127.85ની સપાટીએ રહ્યો હતો.

કંપની તેના શેર્સના લિસ્ટિંગ પછીથી લાંબા ગાળા સુધી રિટેલ રોકાણકારોને હિસ્સો જાળવી રાખવા બદલ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બોનસ શેર ઈશ્યૂ કરશે. તે ઉપરાંત નવા રોકાણકારોને આકર્ષિત કરવા કંપની એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન અને એમ્પ્લોયી સ્ટોક યુનિટ પ્લાન જારી કરવાની યોજના છે. જેનો લાભ તેની ગ્રુપ કંપની, પેટા અને એસોસિએટ કંપનીઓના કર્મચારીઓને મળશે.

ESOP  હેઠળ 16 લાખ  ઓપ્શન્સ જારી કર્યાં

ESOP હેઠળ 16 લાખ ઓપ્શન્સ જારી કરવામાં આવ્યા છે. જેમાં 92 ટકા શેરહોલ્ડર્સે મંજૂરી આપી છે. RSU હેઠળ 4 લાખ યુનિટ્સ અર્થાત પેઈડ અપ ઈક્વિટી શેર્સના 0.084 ટકા યુનિટ જારી કરવામાં આવશે. જે એડોપ્શનની તારીખથી જ ફુલ્લી ડિલ્યુટેડ રહેશે.

નાયકા આઈપીઓ રોકાણકારોને હાલ માત્ર 0.26 ટકા રિટર્ન

નાયકાના આઈપીઓએ લિસ્ટિંગ દરમિયાન ધૂમ મચાવી હતી. ઈશ્યૂ પ્રાઈઝ 1125 સામે 96.15 ટકા પ્રિમિયમે 2206.7ના ભાવે લિસ્ટેડ થયો હતો. જે આજે સાવ ઘટી 1127.85 થયો છે. જેથી ઈન્વેસ્ટર્સનું રિટર્ન અગિયાર મહિનામાં ધોવાઈ 0.26 ટકા થયું છે. નાયકાનો ચોખ્ખો નફો સતત બે ત્રિમાસિકથી ઘટી રહ્યો છે. શેરનો ભાવ પણ 2574ની ટોચેથી અડધાથી વધુ તૂટ્યો છે. વાર્ષિક બોટમ 975.50 છે.