અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ આજે 500 પોઈન્ટની વોલેટિલિટીના અંતે સુધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 305.09 પોઈન્ટ ઉછાળા સાથે 73095.22 અને નિફ્ટી 50 આજે ફરી એક વખત 22 હજારની સપાટી જાળવી રાખતાં 76.30 પોઈન્ટના ઉછાળા સાથે 22198.35 પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં ઉછાળા પાછળનું કારણ રિયાલ્ટી, ઓટો, પાવર શેરોમાં લેવાલીમાં વધારો છે. Auto Indexમાં તાતા મોટર્સનો શેર 2.78 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.33 ટકા, આયશર મોટર્સ 1.29 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આ સાથે ઓટો ઈન્ડેક્સ આજે 47734.61 પોઈન્ટની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. ઓટો શેરમાં ઉછાળા પાછળનું કારણ ફેબ્રુઆરીમાં ઓટોના મજબૂત વેચાણો નોંધાવાના અહેવાલો છે. માર્ચમાં મોટાભાગની ઓટો કંપનીઓએ ભાવમાં વધારો અમલી મૂકવાની જાહેરાત કરતાં ફેબ્રુઆરીમાં ઓટોની માગ વધુ રહી છે. જેને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ઓટો કંપનીઓની આવક અને નફોમાં વૃદ્ધિની સંભાવના છે.

ધ્યાનમાં રાખવા જેવા શેર્સઃ RVNL, Railtel, BEML, IREDA, SJVN, Tata Motors, Yes Bank

S&P BSE Power ઈન્ડેક્સે આજે 6710.99ની રેકોર્ડ ટોચ નોંધાવી છે. જેમાં પાવર સેગમેન્ટના મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં અદાણી પાવર, તાતા પાવર, ભેલ સહિતના શેરો ઘટાડે બંધ રહ્યા હતા. રિન્યુએબલ સેગમેન્ટમાં અનેક બિઝનેસ વિસ્તરણોની જાહેરાત અને પ્રોત્સાહનોના પગલે રોકાણકારો પાવર શેરો પ્રત્યે આકર્ષી રહ્યા હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસને ધ્યાનમાં લેતાં રિયાલ્ટી ઈન્ડેક્સ આજે ફરી નવી વાર્ષિક 7356.63ની ટોચે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે, 8 જાન્યુઆરી, 2008માં નોંધાયેલી 13848.09 પોઈન્ટની રેકોર્ડ ટોચથી રિયાલ્ટી ઈન્ડેક્સ હજી ઘણો દૂર છે. સ્વાન એનર્જી 3.35 ટકા, લોધા ડેવલપર્સ 3.29 ટકા, બ્રિગેડ 3.25ટકા શોભા 3.17 ટકા સુધારે બંધ રહ્યો હતો.

Nifty નીચા સ્તરે ખૂલ્યા બાદ ધીમા ધોરણે રિકવરી સાથે 76 બંધ રહ્યો હતો. સરકારે 26 ફેબ્રુઆરીના રોજ આશરે રૂ. 41,000 કરોડના રેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની જાહેરાત કર્યા પછી રેલવે શેરોમાં સતત બીજા સત્રમાં વેગ જોવા મળ્યો હતો. IT અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં TCS, સન ફાર્મા અને સિપ્લા જેવા લાર્જ કેપ શેરોમાં સુધારાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી50માં ઉછાળો નોંધાયો હતો. L&T, તાતા મોટર્સ અને HDFC લાઇફ જેવી પસંદગીના લાર્જ કેપ્સમાં મજબૂતાઈએ પણ બજારને ટેકો આપ્યો હતો. ઘટાડે ખરીદી વધી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે બજાર હકારાત્મક વલણ સાથે રેન્જમાં ટ્રેડ થશે. વૈશ્વિક સ્તરે રોકાણકારો યુએસ અને યુરોપના કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા પર ધ્યાન રાખે. -સિદ્ધાર્થ ખેમકા, હેડ-રિટેલ રિસર્ચ,  મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)