નવી દિલ્હી, 24 માર્ચઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે ઓપ્શન્સના વેચાણ પર થતાં રૂ. 1 કરોડના ટર્નઓવર પર રૂ. 2100 STT (સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ) લાદ્યો છે. જે અગાઉ રૂ. 1700 હતો. જે F&O ટ્રેડર્સ માટે મોટા ફટકા સમાન છે. કેન્દ્રએ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટના વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં 23.5 ટકાનો વધારો કર્યો છે. વધુમાં ફ્યુચર્સ સેગમેન્ટમાં હવે ટ્રેડર્સે 1 કરોડના ટર્નઓવર પર રૂ. 1250 STT ચુકવવો પડશે. જે પહેલાં રૂ.1000 હતો. નવો નિયમ નવા નાણાકીય વર્ષ 2023-24થી લાગૂ થશે. ટકાવારીની દ્રષ્ટિએ, ફાઇનાન્સ બિલમાં કરાયેલા સુધારા અનુસાર, વાયદા (futures)ના વેચાણ પર STT 0.01%થી વધારીને 0.0125% કરવામાં આવ્યો છે અને Optionsના કિસ્સામાં તે 0.017%થી વધારીને 0.021% કરવામાં આવ્યો છે.

28 હજાર કરોડનો એસટીટી એકત્રિત કરવાનો લક્ષ્યાંક

સરકારને આગામી નાણાકીય વર્ષમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માંથી રૂ. 27,625 કરોડ એકત્રિત કરવાની અપેક્ષા છે, જે અગાઉના નાણાકીય વર્ષના સુધારેલા બજેટ અંદાજ કરતાં 10.5 ટકા વધુ છે. FY23ના બજેટમાં રૂ. 20,000 કરોડનું કલેક્શન થવાનો અંદાજ છે, જે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ સુધારીને રૂ. 25,000 કરોડ કરવામાં આવ્યો હતો. FY22માં સરકારે રૂ. 23,191 કરોડ એકત્ર કર્યા હતા.