નવી દિલ્હી

EMS લિમિટેડ આગામી મહિને સપ્ટેમ્બરમાં રૂ. 300 કરોડથી રૂ. 320 કરોડનો આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે. કંપનીએ માર્ચ-23માં રૂ. 180 કરોડના આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. જેમાં કંપનીએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ પર 16,00,000 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કર્યું છે. જેના મારફત રૂ. 33.76 કરોડ એકત્ર કર્યા હતા.

પરિણામે ફ્રેશ ઈશ્યૂની સાઈઝ ઘટાડી રૂ. 146.24 કરોડ કરી છે. પ્રમોટર રામવીર સિંહ દ્વારા 82.94 લાખ શેરના વેચાણની ઓફર કરવામાં આવી છે. તાજા ઇશ્યૂમાંથી થતી આવક કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડશે. કંપનીએ આ પ્રારંભિક જાહેર ઓફર સાથે આગળ વધવા માટે સેબીની મંજૂરી મેળવી લીધી છે. ખંભટ્ટા સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

ગાઝિયાબાદમાં મુખ્યમથક ધરાવતી, કંપની ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને રાજસ્થાન રાજ્યોમાં ગટર અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવા માટે ગટરનું નેટવર્ક નાખવા સહિત પાણી અને ગટર વ્યવસ્થાના ઈન્ફ્રા સોલ્યુશન્સ ઓફર કરે છે. આશરે 20%ના ચોખ્ખા માર્જિન સાથે, કંપની માત્ર ઉચ્ચ માર્જિન સંકલિત પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે. કંપનીએ જે પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કર્યા છે તેના માટે ઓપરેશન્સ અને મેન્ટેનન્સ મેન્ડેટ પણ હાથ ધરે છે.