અમદાવાદ, 12 જુલાઇઃ આઇનોક્સ ક્લિન એનર્જીએ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 6,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે સેબીમાં કોન્ફિડેન્શિયલ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. 10 ટકાથી વધુ પ્રસ્તાવિક ઇક્વિટી વેચાણ દ્વારા કંપની આશરે રૂ. 50,000 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું લક્ષ્ય ધરાવે છે.

12 અબજ યુએસ ડોલરનું કદ ધરાવતા આઇનોક્સજીએફએલ ગ્રૂપનો હિસ્સો આઇનોક્સ ક્લિન એનર્જીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, તેણે સ્ટોક એક્સચેન્જીસના મેઇન બોર્ડ ઉપર પ્રસ્તાવિત આઇપીઓ સંદર્ભે સેબી અને સ્ટોક એક્સચેન્જીસ સાથે પ્રી-ફાઇલ્ડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે. જાહેર ભરણાનો મોટો હિસ્સો ફ્રેશ ઇશ્યૂ રહેશે તથા પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ સોલર અને ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોસિજર્સ (આઇપીપી)માં નવી સુવિધાઓની સ્થાપના માટે કરાશે.

આઇનોક્સ ક્લિન એનર્જી રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ અને સંચાલનના વ્યવસાયની સાથે-સાથે તેની પેટા કંપની આઇનોક્સ નિયો એનર્જીસ અને આઇનોક્સ સોલર દ્વારા સોલર સેલ અને મોડ્યુલ્સના ઉત્પાદનમાં કાર્યરત છે.

હાલમાં આઇનોક્સ ક્લિન એનર્જીની કુલ સંચાલકીય ક્ષમતા 157 મેગાવોટ છે, જેમાં 107 મેગાવોટ વિન્ડ અને 50 મેગાવોટ સોલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 400 મેગાવોટ માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં 350 મેગાવોટ હાઇબ્રિડ અને 50 મેગાવોટ સોલર પ્રોજેક્ટ્સ સામેલ છે. આ ઉપરાંત કંપની પાસે 2.2 ગીગાવોટની પ્રોજેક્ટ પાઇપલાઇન છે, તેમ જૂન 2025 માટે કેરએજ રિપોર્ટમાં જણાવ્યું છે.

પ્રસ્તાવિત આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સમાં જેએમ ફાઇનાન્સિયલ, મોતિલાલ ઓસ્વાલ, નુવામા, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ અને આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)