નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં છે.

વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થવાની ધારણા

હાલમાં, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે કરમુક્તિ મર્યાદા રૂ. 3લાખ છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરીકો માટે કરમુક્તિ મર્યાદા રૂ. 5લાખ છે. તે વધારવી જોઇએ તેવું નિષ્ણાતોનું કહેવું છે. લુથરા એન્ડ લુથરા લો ઓફિસ ઇન્ડિયા પાર્ટનર અભિષેક માથુરે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોના મોટા વર્ગ પાસે આવકનો અન્ય કોઈ નિયમિત સ્ત્રોત નથી.તેઓ ઘણીવાર તેમની બચતો અને તેની ઉપર મળતાં વ્યાજ પર આધાર રાખે છે. કેન્દ્ર સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવી જોઈએ. 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિની રકમ રૂ. 12.5 લાખ હોવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોને રૂ. 1.5 લાખના રિબેટ સિવાય રૂ. 50,000ની વધારાની રાહત મળવાની અપેક્ષા છે. વરિષ્ઠ નાગરિકો અપેક્ષા રાખે છે કે 80C હેઠળ વર્તમાન રકમ ઓછામાં ઓછી 2,00,000 રૂપિયા સુધી વધારવી જોઈએ.

કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની મર્યાદા 8 વર્ષથી ઠેરની ઠેર

આવકવેરા અધિનિયમની કલમ 80C પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), વરિષ્ઠ નાગરિક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ વગેરે જેવા વિવિધ રોકાણો માટે દરેક નાણાકીય વર્ષમાં રૂ. 1.5 લાખ સુધીની કપાત પ્રદાન કરે છે. કલમ 80C હેઠળ હાલની રૂ. 1.5 લાખની મર્યાદા છેલ્લા આઠ વર્ષમાં બદલાઈ નથી.

આરોગ્ય વીમા પ્રિમિયમ પર કર કપાતની રકમ વધારો

વૃદ્ધાવસ્થામાં તબીબી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના અનુસંધાનમાં વેદ જૈન એન્ડ એસોસિએટ્સના પાર્ટનર અંકિત જૈને જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો (જેઓ 80 વર્ષથી ઓછી ઉંમરના છે) સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમની કપાત વર્તમાન રૂ.50,000થી વધારીને રૂ.75,000 કરવાની અપેક્ષા રાખે છે.

વરિષ્ઠ નાગરિકોની તબીબી સારવારની મર્યાદામાં વધારો

આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80DDB વ્યક્તિગત કરદાતાઓ અને HUFને ઉલ્લેખિત રોગોની સારવાર માટે તબીબી ખર્ચ માટે કપાતની જોગવાઈ કરે છે. કરદાતાઓ કલમ 80DDB હેઠળ પોતાના માટે અથવા જીવનસાથી, બાળકો, માતાપિતા, ભાઈઓ અને બહેનો સહિત આશ્રિતો માટે રૂ. 1લાખ સુધીનો દાવો કરી શકે છે. કલમ 80DDB હેઠળ વર્તમાન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1,50,000 રૂપિયા કરવી જોઈએ.

આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ બનાવો

આવકવેરા અધિનિયમ 1961ની કલમ 194P અમુક ચોક્કસ શરતોને આધીન 75 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાથી મુક્તિ આપે છે. પરંતુ, વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. RSM ઈન્ડિયાના સ્થાપક સુરેશ સુરાનાએ જણાવ્યું હતું કે આવા વરિષ્ઠ નાગરિકોને તેમના રિટર્ન ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે 65 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને બજેટ 2023માં રાહત આપવામાં આવે તેવી માગણી છે.