FIIએ Q1 માં અદાણી ગ્રુપની 6 કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો; રૂ. 4,640 કરોડનું વેચાણ કર્યું
મુંબઇ, 24 જુલાઇઃ જૂન 2025ના ક્વાર્ટર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હોવાનું નોંધાયું છે. અદાણી જૂથની 8માંથી 6 કંપનીઓમાંથી કુલ રૂ. 4,640 કરોડનો હિસ્સો ઘટાડ્યો હોવાનું BSE પર શેરહોલ્ડિંગ પેટર્નના ડેટા દર્શાવે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે સૌથી મોટું ડિવેસ્ટમેન્ટ નોંધાવ્યું હતું, જેમાં FII એ લગભગ રૂ.1,833 કરોડના શેર વેચ્યા હતા. કંપનીમાં FII હિસ્સો પાછલા ક્વાર્ટરમાં 17.58 ટકાથી ઘટીને 15.85 ટકા થયો હતો. ઉલ્લેખનીય છે કે, IHC કેપિટલ હોલ્ડિંગની પેટાકંપની એન્વેસ્ટકોમ હોલ્ડિંગ RSCએ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં તેનું હોલ્ડિંગ 4.6 ટકાથી ઘટાડીને 2.68 ટકા કર્યું છે. ત્યારપછીના ક્રમે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડમાં FIIએ રૂ. 1,662 કરોડના શેર વેચ્યા હતા. તેના કારણે માર્ચ ક્વાર્ટરમાં એફઆઇઆઇનો હોલ્ડિંગ હિસ્સો 8.6 ટકાથી ઘટીને 7.44 ટકા થયો છે. GQG પાર્ટનર્સ જે અગાઉ મુખ્ય રોકાણકાર હતો, તે હવે શેરહોલ્ડર્સના લિસ્ટમાં નથી; જોકે, તે સ્પષ્ટ નથી કે કંપની સંપૂર્ણપણે બહાર નીકળી ગઈ છે કે ફક્ત 1 ટકાની મર્યાદાથી નીચે તેનો હિસ્સો ઘટાડી દીધો છે.
અદાણી ગ્રીન એનર્જીમાં, FIIએ તેમના રોકાણમાં રૂ. 924 કરોડનો ઘટાડો કર્યો હોવાથી તેમનું હોલ્ડિંગ 12.45 ટકાથી ઘટી 11.58 ટકા થયું છે. જૂથની અન્ય કંપનીઓમાં પણ એફઆઇઆઇની વેચવાલી જોવા મળી છે તે પૈકી અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 490 કરોડ), અદાણી ટોટલ ગેસ (રૂ. 152 કરોડ), અને ACC (રૂ. 62 કરોડ)નો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ અને અદાણી પાવરમાં એફઆઇઆઇની ખરીદીનો રસ જોવા મળ્યો, જેમાં FII એ તેમના હિસ્સામાં અનુક્રમે રૂ. 284 કરોડ અને રૂ. 200 કરોડનો વધારો કર્યો હોવાનું નોંધાયું છે.
દરમિયાન, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ અદાણી ગ્રુપના શેરોમાં પસંદગીયુક્ત રસ દર્શાવવા સાથે સાધારણ ખરીદી રહી હતી. જોકે, ACCમાં ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
